પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
મરણને સુધારવું હોય તો પ્રતિ ક્ષણને સુધારજો. આંખનો સદુપયોગ કરો. મનનો સદુપયોગ કરો, ધનનો સદુપયોગ કરો,
વાણીનો સદુપયોગ કરો. તો મરણ સુધરશે. પ્રતિક્ષણે ઇશ્વરનું સ્મરણ રાખે તેનું મરણ સુધરે છે, ભાગવત મરણ સુધારે છે.
રોજ સ્મશાને જવાની જરૂર નથી, પણ સ્મશાનને રોજ યાદ કરવાની જરૂર છે. શંકર સ્મશાનમાં બિરાજે છે, શંકર જ્ઞાનના
દેવ હોવાથી સ્મશાનમાં રહે છે. સ્મશાન એ જ્ઞાન ભૂમિ છે. સ્મશાનમાં સમભાવ જાગે છે, તેથી જ્ઞાન પ્રગટ થાય છે. તેથી તે જ્ઞાન
ભૂમિ છે. સમભાવ જાગે તેનું નામ સ્મશાન, સ્મશાનમાં કોઇ પણ આવે. રાજા આવે કે રંક, મૂર્ખ આવે કે જ્ઞાની, સર્વના શરીરની
રાખ જ થાય છે. સમભાવ એટલે વિષમ ભાવનો અભાવ. સમભાવ એ જ ઈશ્વરભાવ. મનુષ્ય સર્વમાં સમભાવ રાખી વ્યવહાર કરે
તો તેનું મરણ સુધરે છે. સર્વમાં ઇશ્વરભાવ જાગે તો જીવમાં દૈન્ય જાગે. પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન પણ દૈન્ય છે.
મનુષ્યને અમર બનવું છે. ભાગવતની કથા અમર છે. અમરકથાનો આશ્રય કરે તે અમર બને છે. પરીક્ષિત, શુકદેવજી
અમર છે. ભાગવતની કથા તમને અમર બનાવે છે, ભક્તિરસનું દાન કરે છે. મીરાંબાઈ દ્વારકાધીશમાં અને ગૌરાંગ પ્રભુ ભક્તિથી
સદેહે જગદીશમાં સમાઈ ગયા અને અમર બન્યા છે. ભાગવતની કથા સાંભળો, અનાયાસે સમાધિ લાગશે. યોગ-ત૫ વિના
ભગવાનને મેળવવાનું સાધન છે ભાગવતશાસ્ત્ર.
ભાગવતના ભગવાન એવા સરળ છે કે તે બધા સાથે બોલવા તૈયાર છે, જ્યારે વેદનાં ભગવાન કોઇક અધિકારી સાથે
બોલે છે.
ભાગવતશાસ્ત્ર મનુષ્યને નિઃસંદેહ બનાવે છે. આ કથામાં બધું આવી જાય છે. બુદ્ધિનો પરિપાક, જ્ઞાનનો પરિપાક,
જીવનનો પરિપાક વગેરે થયા પછી વ્યાસજીએ આ ગ્રંથની રચના કરી છે. ભગવાનના નામનો જપ કરતાં પ્રેમથી આ કથા શ્રવણ
કરજો. તમે નિઃસંદેહ થશો. ભાગવત નારાયણરૂપ છે, પરિપૂર્ણ છે. તેના શ્રવણથી આસ્તિકને પણ માર્ગદર્શન મળશે. નાસ્તિક હશે
તે આસ્તિક થશે. શુકદેવજી જેવા આત્મારામ મુનિએ સર્વસ્વ છોડયું પણ આ કથા છોડી નહિ. આત્મારામ કોટિના મહાત્માઓ
પણ આ કૃષ્ણકથામાં પાગલ બને છે. સિદ્ધ, આસ્તિક, નાસ્તિક, પામર દરેકને આ કથા દિવ્ય જીવનનું દાન કરે છે. વ્યવહારનું
જ્ઞાન પણ ભાગવતમાં આવશે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૭
ભાગવતમાં જ્ઞાનયોગ, કર્મયોગ, સમાજધર્મ, સ્ત્રીધર્મ, આપદ્દધર્મ, રાજનીતિ વગેરેનું જ્ઞાન ભર્યું છે, આ એક જ શાસ્ત્ર એવું છે કે
જેનું શ્રવણ, મનન કર્યા પછી કંઇ જાણવાનું બાકી રહેતું નથી.
સાધકને સાધન માર્ગમાં કેવા સંશયો આવે છે તે વિચારી વ્યાસજીએ આ કથા કરેલી છે. વ્યાસજીએ માન્યું છે કે જે મારા
ભાગવતમાં નથી તે જગતના કોઈ ગ્રંથમાં નથી. ભાગવતમાં છે તે જ બીજા ગ્રંથોમાં છે. યદિહાસ્તિ તદન્યત્ર યન્નહાસ્તિ ન કુત્રચિત્ ।
ભાગવત શાસ્ત્ર એ પરિપૂર્ણ નારાયણનું સ્વરૂપ છે. તે અતિશય દિવ્ય છે.
વ્યાસાશ્રમમાં ભાગવતનાં આરંભમાં પૂજન માટે વ્યાસજીએ ગણપતિ મહારાજનું આવાહન કર્યું. એટલે ગણપતિ મહારાજ
પ્રગટ થયા. વ્યાસજીએ કહ્યું, મારે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે પરંતુ લખે કોણ? ગણપતિ કહે, બહુ સારું, હું લખવા તૈયાર
છું, પરંતુ હું એક ક્ષણ પણ નવરો નહિ બેસું. ગણપતિનું વાહન ઉંદર છે, ઉંદર એટલે ઉદ્યોગ. ઉદ્યોગ ઉપર બેસે તેની બુદ્ધિ,સિદ્ધિ
દાસી થાય છે. સતત ઉદ્યોગ કરો તો રિદ્ધિ સિદ્ધિ તમારી દાસી થશે. એક પણ ક્ષણ ઈશ્વરના ચિંતન વગર બેસશો નહિ.
પ્રત્યેક કાર્યના આરંભમાં ગણપતિની પૂજા કરવામાં આવે છે. ગણપતિ વિઘ્નહર્તા છે. ગણપતિનું પૂજન કરવું એટલે
જિતેન્દ્રિય થવું. ગણપતિ કહે છે કે હું નવરો બેસતો નથી. જે નવરો બેસતો નથી તેનું અમંગળ થતું નથી. ઉદ્યોગ ઉપર બેસે તે
ગણપતિ.
ગણપતિ મહારાજ થયા છે લેખક અને વ્યાસજી થયા છે વક્તા. ગણપતિએ કહ્યું. હું એક ક્ષણ પણ નવરો નહિ બેસું.
ચોવીસ કલાક તમારે કથા બોલવી પડશે. ત્યારે વ્યાસજીએ કહ્યું, હું જે બોલું તે યોગ્ય છે કે અયોગ્ય તે વિચારી વિચારપૂર્વક
લખજો. સો શ્લોક થાય એટલે વ્યાસજી એક ગૂઢ શ્લોક મુકે. તે વિચાર કરવામાં ગણપતિને સમય લાગે, ત્યાં વ્યાસજી પોતાનાં
બીજાં કાર્યોં પતાવી લે છે.