ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઓક્ટોબર, 2021
સોમવાર.
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ભારતીય વિમાનો માટે હવાઈ સીમા બંધ કરી દેવામાં આવી હતી. તેથી યુરોપ અને અમેરિકા તરફ જતા વિમાનનો પ્રવાસનો સમય તો લંબાઈ ગયો હતો. સાથે જ ઈંધણ પણ વધારે બળતું હતું. જોકે હવે ઍર ઈન્ડિયાએ હિંદુકુશ પર્વતની હારમાળામાંથી જતા સિલ્ક રોડનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું છે. તેને પગલે સમયની સાથે જ લાખો લિટર ઈંધણની પણ બચત થવા માંડી છે.
તાલિબાને હવાઈ સીમા બંધ કરતા એર ઈંડિયાના વિમાનોને દક્ષિણ પાકિસ્તાનથી ઈરાન અને તુર્કમેનિસ્તાન માર્ગે યુરોપ જવું પડતું હતું. તેથી ઍર ઈંડિયાનો લંડનનો રૂટ લંબાઈ ગયો હતો. વિમાનથી દિલ્લીથી લંડનનો પ્રવાસનો સમય 9.5 કલાકનો થઈ ગયો હતો. તેથી પર્યાયી માર્ગનો વિચાર કર્યો હતો. અગાઉ વાપરવામાં આવતા સિલ્ક રોડને વાપરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હિંદુકુશ પર્વતમાંથી વેપાર માટે સિલ્ક રોડ વાપરવામાં આવતો હતો. આ પર્વતોની હારમાળામાથી નવો માર્ગ શોધી કઢાતા હવે પ્રવાસનો સમય 8.5 કલાકનો થઈ ગયો છે. હિંદુકુશ પર્વતની હારમાળા પરનો આ રસ્તો તાઝિકિસ્તાન, કઝાકિસ્તાન અને યુક્રેન થઈને યુરોપ અને લંડનનો છે.
ઍર ઈન્ડિયાના 4 ઓક્ટોબરના લંડન ગયેલા વિમાન 9.37 કલાકનો સમય લીધો હતો. તો નવા માર્ગથી 7 ઓક્ટોબરના આ સમય ઘટીને 8.41 કલાકનો થઈ ગયો હતો. નવા માર્ગથી ઉત્તર અમેરિકાની એક ફેરીમાં 4 ટન ઈંધણ તો લંડનની ફેરીમાં 2.5 ટન ઈંધણની બચત થશે.