ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ધાર્મિક માન્યતા કહો કે પછી અંધશ્રદ્ધા, પોતાનાં વાહનોને ખરાબ નજરથી બચાવવા લોકો એના પર લીંબુ-મરચાં લગાડતા હોય છે. જોકે બૂરી નજરના ચક્કરમાં આ ગતકડાં કરનારાઓ સાવધન રહેજો. વાહનની નંબર પ્લૅટ પર લીંબુ-મરચાં લાગેલાં દેખાયાં તો આવી બનશે. ટ્રાફિક પોલીસ તુરંત તમારું ચલણ કાપશે અને તમને ભરવો પડશે દંડ. નિયમ મુજબ નંબર પ્લૅટ સ્પષ્ટ દેખાવી ફરજિયાત છે.
સેન્ટ્રલ ટ્રાન્સપૉર્ટના નવા નિયમ મુજબ ડિફેક્ટિવ નંબર પ્લૅટ માટે 5,000 રૂપિયાનો દંડ વાહનચાલકને લાગી શકે છે. એ સિવાય નંબર પ્લૅટ પર સ્પષ્ટ આંકડામાં હોવી જરૂરી છે. સ્ટાઇલિશ નંબર લખવા પર પણ પ્રતિબંધ છે. મહારાષ્ટ્રમાં જોકે હજી સુધી આ નિયમ અમલમાં મૂકવામાં આવ્યો નથી, પરંતુ બહુ જલદી આ નિયમ અમલમાં આવી જશે. દિલ્હીમાં આ નિયમ અમલમાં આવી ગયો છે.
એક મગરે રાજધાની એક્સપ્રેસને 30 મિનિટ રોકી રાખી. મુંબઈ થી વડોદરા નો પ્રવાસ થયો લેટ. જાણો અજબ કિસ્સો
અહીં ઉલ્લેખનીય છે કે નવી પૉલિસી હેઠળ નંબર પ્લૅટ સ્પષ્ટ દેખાવી આવશ્યક છે તેમ જ ડિફેક્ટિવ નંબર પ્લૅટ પણ નહીં ચાલે. એટલું જ નહીં, પણ રસ્તા પર રહેલા સીસીટીવીના માધ્યમથી વાહનોની અવરજવર પર નજર રાખવામાં આવતી હોય છે, એવામાં નંબર પ્લૅટ પર લાગેલા લીંબુ-મરચાંને કારણે નંબર પ્લૅટ પર રહેલો નંબર સીસીટીવીમાં ઝિલાતો નથી. એટલે હવેથી સખતાઈપૂર્વક નંબર પ્લૅટ પર લીંબુ-મરચાં લાગેલાં દેખાયાં તો તેમને 5,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.