ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
શ્વાન પોતાના માલિકોને ભારે વફાદાર હોવાનું કહેવાય છે. તો માલિકો પણ પોતાના પાળેલા શ્વાન માટે કંઈપણ કરી ચૂકવા તૈયાર હોય છે. ગયા અઠવાડિયામાં બુધવારે સવારના 9 વાગે એર ઈન્ડિયાનું એઆય-671 વિમાન મુંબઈથી ચેન્નઈ તરફ ઉડ્યું હતું. આ વિમાનના બિઝનેસ કલાસની 12માંથી ફક્ત 2 સીટ ભરેલી હતી. પરંતુ બુકિંગ ફૂલ હતું. બે સીટ માટે આખા બિઝનેસ કલાસને બુક કરવામાં આવ્યો હતો. આ બે સીટસ હતી શ્વાન અને તેના માલિક માટે. પોતાના લાડલા કૂતરા સાથે આરામદાયક પ્રવાસ કરી શકાય તે માટે માલિકે આખો બિઝનેસ કલાસ બુક કરી નાંખ્યો હતો.
પાળેલા પ્રાણીનો પોતાની સાથે પ્રવાસમાં લઈ જવું કંઈ નવું નથી. પરંતુ તેની માટે વિમાનમાં આખો બિઝનેસ કલાસ બુક કરી નાખવાને કારણે સૌ કોઈ ચોંકી ગયા હતા. મુંબઈથી ચેન્નઈના પ્રવાસની એર ઈન્ડિયાની બિઝનેસ કલાસની ટિકિટ 20,000 રૂપિયાની છે. એટલે બિઝનેસ કલાસની 12 સીટ માટે શ્વાનના માલિકે અઢી લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.