ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
દેશના સત્તાવાર પ્રસારણકર્તા 'દૂરદર્શન'એ આજે એની સ્થાપનાનાં 62 વર્ષ પૂર્ણ કર્યાં છે. ભારતની ઘણી પેઢીઓમાં પ્રખ્યાત ‘દૂરદર્શન’ની સ્થાપના 15 સપ્ટેમ્બર, 1959માં થઈ હતી. એની સ્થાપના સાથે દેશમાં ટેલિવિઝનનો એક સુવર્ણ યુગ રજૂ થયો. તેની શરૂઆતથી અત્યાર સુધીની દૂરદર્શનની યાત્રા ખૂબ જ મનોહર રહી છે. પહેલાં માત્ર શિક્ષણ પછી ઇન્ફોર્મેશન અને પછી મનોરંજન ક્ષેત્રે ખાસ્સું ખેડાણ ખેડનાર ટીવીનું એક અલગ જ મહત્ત્વ રહ્યું છે. મોબાઇલમાં પણ લોકો ટીવી તો જુએ જ છે. દૂરદર્શને ભારતની ચડતીપડતી વિકાસ અને હોનારતોના ઘણા સમાચાર લોકો સુધી પહોંચાડ્યા છે, તો ‘મહાભારત’ અને ‘રામાયણ’ જેવી સિરિયલોથી લોકોને એક તાંતણે બાંધ્યા છે.
દૂરદર્શનની શરૂઆત થઈ ત્યારે આ ટેસ્ટિંગ તબક્કામાં હતું. એનું નામ ‘ટેલિવિઝન ઇન્ડિયા’ આપવામાં આવ્યું હતું. 1975માં ‘દૂરદર્શન’ નામ રાખવામાં આવ્યું, જ્યારે ‘દૂરદર્શન’ શરૂ થયું ત્યારે અઠવાડિયામાં ત્રણ દિવસ માત્ર અડધો-અડધો કલાક પ્રસારણ થતું હતું. 1965માં ‘દૂરદર્શન’ પર રોજ કાર્યક્રમ પ્રસારિત થવા લાગ્યા. પાંચ મિનિટનું ન્યૂઝ બુલેટિન પણ શરૂ થયું. જોકે ટીવીનો ગ્રોથ શરૂઆતમાં ખૂબ જ ધીમો રહ્યો. 1976 સુધી આકાશવાણીના એક પેટાવિભાગ તરીકે રહ્યા બાદ ‘દૂરદર્શન’ની અલગ સેવા ચાલુ કરવામાં આવી હતી. શરૂઆતનાં વર્ષોમાં લગભગ 1975 સુધી એ ભારતનાં મુખ્ય સાત શહેરો સુધી પ્રસરી ચૂક્યું હતું. શરૂઆતમાં ‘દૂરદર્શન’ વ્યાવસાયિક જાહેરાત લેતું ન હતું, કેમ કે ટેલિવિઝનને તેણે માત્ર શિક્ષણનું માધ્યમ ગણ્યું હતું, પરંતુ વખત જતાં એણે પૉલિસી બદલી અને જાન્યુઆરી 1, 1976ના રોજ એણે ગ્વાલિયર શૂટિંગની પ્રથમ જાહેરાત કરી.
અરે વાહ : હાઈ કોર્ટે હિન્દીમાં સુનાવણી કરી અને આપ્યો ચુકાદો, 22 વર્ષ પછી યાચિકા કરનારને રાહત મળી
સમય બદલાયો અને 1982માં કલર ટેલિવિઝનનું આગમન થતાં તેણે એપ્રિલ 25, 1982ના રોજ પહેલું કલર પ્રસારણ સત્યજિત રેની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’ થી કર્યું. આજ સમયગાળા દરમિયાન એણે ઇન્દિરા ગાંધીના સૂચન અનુસાર મનોહર શ્યામ જોષી લિખિત ‘હમ લોગ’ સિરિયલ ચાલુ કરી, જેનું પ્રસારણ છેક ડિસેમ્બર 17, 1985 સુધી ચાલ્યું હતું. ત્યારબાદ તેના પર ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવી સિરિયલોનો દોર શરૂ થયો, જેણે દેશભરમાં ધૂમ મચાવી હતી.
1991માં અખાતી યુદ્ધનાં જીવંત દૃશ્યો એણે પ્રથમ વાર પ્રસારિત કર્યાં હતાં અને વખતોવખત ‘દૂરદર્શન’ એના પ્રસારણમાં વિવિધતા અને આધુનિકતા લાવી રહ્યું છે. આજે ‘દૂરદર્શન’ સેટેલાઇટ દ્વારા વિશ્વના કુલ 146 દેશોમાં પ્રસારિત થાય છે. નોંધનીય છે કે અન્ય કોઈ ચૅનલ આટલું મોટું નેટવર્ક કે શાખા ધરાવતી નથી. આજે 2 રાષ્ટ્રીય અને 11 ક્ષેત્રીય ચૅનલોની સાથે ‘દૂરદર્શન’ની કુલ 21 ચૅનલો પ્રસારિત થાય છે. 14 હજાર જમીની ટ્રાન્સમીટર અને 46 સ્ટુડિયોની સાથે દેશનું સૌથી મોટું પ્રસારણકર્તા છે.
#Doordarshan completes its 62 years of its nostalgic Journey, from the time when life was restricted to just one channel. National Broadcaster was founded #OnThisDay in 1959 @MIB_India @PIB_India@PBNS_India @DDNational @prasarbharati pic.twitter.com/HsRDIFItfn
— DD News (@DDNewslive) September 15, 2021