ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ભારત દેશમાં સ્થળે-સ્થળે એક અલગ રિવાજ કે માન્યતા જોવા મળે છે. એક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જે સાંભળીને આશ્ચર્ય પામી જશો.
વાત જાણે એમ છે કે યુપીમાં નદીને પુનર્જીવિત કરવા માટે એક અનોખી ધાર્મિક વિધિ કરવામાં આવે છે. આમાં વરરાજા ‛ચિરંજીવ રસાલ' અને કન્યા ‛આયુષ્મતી ઇમલી'નાં લગ્ન કરાવવામાં આવે છે. ‛ચિરંજીવ રસાલ' એટલે કેરી અને ‛આયુષ્મતી ઇમલી' એટલે આંબલી.
આ લગ્ન માટે કાર્ડ પણ છપાવવામાં આવ્યાં હતાં. એમાં વરરાજાને 'ફળોનો રાજા' અને કન્યાને ‛ચુલબુલી પુત્રી' તરીકે વર્ણવવામાં આવી હતી.
મુસ્તફાબાદમાં કથિના નામની નદીને પુનર્જીવિત કરવાના આશય સાથે રવિવારે એક અનોખાં લગ્ન થયાં.
જાનમાં 400 જેટલા મહેમાનો બળદગાડાં પર આવ્યાં હતાં. સમારોહમાં 50 નવાં વિવાહિત યુગલોએ પણ હાજરી આપી હતી.
લગ્નને ભવ્ય રીતે શણગારેલા 'મંડપ'માં ઊજવવામાં આવ્યાં હતાં અને મહેમાનોને પુરી, શાક, રાયતું અને દહીંવડાં સહિતનું ભવ્ય રાત્રિભોજન આપવામાં આવ્યું હતું.
સ્થળ પર આંબલીનો છોડ પણ રોપવામાં આવ્યો હતો.
મુખ્ય વિકાસ અધિકારી (CDO) અક્ષત વર્માએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે સ્થાનિક લોકો છેલ્લા ઘણા દિવસથી લગ્નની યોજના બનાવી રહ્યા હતા. વર્માએ કહ્યું કે તેમનું માનવું છે કે આ કાર્યક્રમ કથિના નદીના પુન:ઉદ્ધાર થવામાં મદદ કરશે.
સ્થાનિકો હવે નદીકિનારે ફળોનાં વૃક્ષો રોપવાની યોજના બનાવી રહ્યા છે, જે તેઓ માને છે કે નદીને પુનર્જીવિત કરશે.