ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
તહેવારોના દિવસોમાં રેલવેની ટિકિટો મળવી મુશ્કેલ થઈ જાય છે. એવામાં ટિકિટોનાં ગેરકાયદે વેચાણ વધી જાય છે. મધ્ય રેલવેએ ટિકિટોની કાળાબજારી કરવાવાળા લોકો ઉપર મોટી કાર્યવાહી કરી છે, જેમાં સેંકડો ઈ-ટિકિટો જપ્ત થઈ છે.
એન્ટી ટાઉટ સ્ક્વૉડ, મુંબઈ મંડળ, વાણિજ્ય વિભાગ અને આરપીએફની મદદથી આ ગેરકાયદે ટિકિટ વિક્રેતાઓ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. જેમાં ૧૯ દલાલોની ધરપકડ થઈ છે. એમાં નૅશનલ ટૂર ઍન્ડ ટ્રાવેલ્સ, પાયધૂની, મુંબઈ પરિસર પર છાપો મારીને ગેરકાયદે ઈ-ટિકિટ કાઢવાના કારોબારમાં બે વ્યક્તિઓનો હાથ હતો. આ બંને વ્યક્તિઓ પાસેથી બે કૉમ્પ્યુટર અને મોબાઇલ, ૧૨૨ ઈ-ટિકિટ, ૩ લાખ જેટલા રૂપિયા જપ્ત કરાયા છે.
આ રીતે એપ્રિલ મહિનામાં વડાલામાં અને મુંબઈમાં આ રીતની ઝુંબેશ ચલાવીને ૫૭,૭૦૦ રૂપિયાની ૩૬ ટિકિટો જપ્ત કરવામાં આવી છે. ભાયંદરમાંથી ૧,૧૧,૧૭૫ રૂપિયાની ૧૫૧ ઈ ટિકિટો જપ્ત કરાઈ છે. આ બધા જ લોકોને કાર્યવાહી માટે રેલવે સુરક્ષાબળને સોંપવામાં આવ્યા છે.
સાથે જ મધ્ય રેલવેએ લોકોને અધિકૃત ટિકિટ સાથે પ્રવાસ કરવાની અને અધિકૃત એજન્ટ પાસેથી ટિકિટ ખરીદવાની અપીલ કરી છે.