ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
વિધવા મહિલાના પુનઃવિવાહ બાદ પણ તેને પતિની મિલકતમાં અધિકાર હોવાનો મહત્ત્વનો ચુકાદો બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠે આપ્યો છે.
એક મહત્ત્વના કેસ પર ચાલી રહેલી સુનાવણી દરમિયાન કોર્ટે આ નિકાલ આપ્યો છે. એમાં અનિલ નામનો યુવક રેલવેમાં પૉઇન્ટમૅન તરીકે નોકરી કરતો હતો. 19 એપ્રિલ, 1991માં તેનું નિધન થયું હતું. તેના મૃત્યુના મહિના બાદ તેની પત્ની સુનંદાએ પુનઃવિવાહ કર્યા હતા. અનિલ નોકરી પર હતો ત્યારે તમામ લાભ માટે તેની પત્નીનું નામ નોંધાવ્યું હતું. તેથી અનિલના મૃત્યુ બાદ સુનંદાએ રેલવેમાં નોકરી માટે અરજી કરી હતી. તેમ જ પતિના મૃત્યુ બાદ સુનંદાના બૅન્ક ઍકાઉન્ટમાં રેલવે દ્વારા 65,000 રૂપિયા પણ જમા કરવામાં આવ્યા હતા.
શું તમે ફળ ધોયા વગર ખાવ છો? તમને નિપાહ વાયરસ થઈ શકે છે; જાણો ચોંકાવનારી માહિતી
એથી અનિલની માતાએ રેલવે સિવિલ કોર્ટમાં રેલવેના નિર્ણય વિરુદ્ધ અરજી કરીને સુનંદાએ પુન:વિવાહ કર્યા હોઈ તેને અપાત્ર ઠરાવવાની માગણી કરી હતી. કોર્ટે પણ તેની માતાની બાજુએ નિકાલ આપ્યો હતો. તેથી સુનંદાએ અપીલ કરી હતી. જેમાં જિલ્લા કોર્ટે લાભની રકમ અનિલની માતા અને પત્ની બંનેનાં ખાતાંમાં સરખી જમા કરવાનો આદેશ આપ્યો હતો. એથી અનિલની માતાએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે બંનેની બાજુ સાંભળીને હિન્દુ વારસા કાયદા કલમ 10 હેઠળ વિધવા પત્ની અને અને માતા બંને મૃતકના પ્રથમ વારસદાર ગણાય છે એથી બંનેનો સંપત્તિ પર સરખો અધિકાર હોવાનું કહ્યું હતું. સુનંદાએ રેલવે પાસેથી મળેલી રકમનો અડધો હિસ્સો રેલવેને આપવો અને રેલવે એ રકમ અનિલની માતાને આપશે એવો ચુકાદો આપ્યો હતો.