ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 જૂન, 2021
સોમવાર
મહારાષ્ટ્રમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં નાનાં બાળકોને જોખમ વધારે હોવાની નિષ્ણાતોએ ચેતવણી આપી છે. એથી મુંબઈ મહાનગરપાલિકા પોતાની ચાર મુખ્ય હૉસ્પિટલ સહિત ખાનગી બાળરોગ નિષ્ણાતોને ટ્રેનિંગ આપી રહી છે. અત્યાર સુધીમાં 300 ડૉક્ટર્સને ટ્રેનિંગ આપી દેવામાં આવી છે. 3,000થી વધુ ડૉક્ટરોને ટ્રેનિંગ આપવામાં આવશે.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની પહેલી લહેર કરતાં બીજી લહેર વધુ ઝડપે નિયંત્રણમાં આવી છે. મુંબઈનો હાલનો પૉઝિટિવિટી રેટ 5.56 ટકા છે. સાજા થવાનું પ્રમાણ 95 ટકા છે. કોરોનાના દર્દી બમણા થવાનો સમયગાળો 511 દિવસ છે. છતાં મુંબઈ પાલિકાએ જુલાઈ અથવા ઑગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેરના જોખમના ધ્યાનમાં રાખીને તૈયારી ચાલુ કરી દીધી છે.
મુંબઈનું આકાશ કાળું ડિબાંગ, અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ; જાણો વધુ વિગત
ત્રીજી લહેરમાં બાળકોને વધુ જોખમ છે. એથી તમામ હૉસ્પિટલમાં બાળકો માટે 10થી 15 બેડ રહેલા વૉર્ડ રિર્ઝવ રહેશે. મુલુંડ જમ્બો કોવિડ કૅર સેન્ટરમાં 100, ગોરેગામના નેસ્કોમાં 100થી 200 અને દહિસર જમ્બો કૅર સેન્ટરમાં 100 બેડ બાળકો માટે રાખવામાં આવ્યા છે. ઑક્સિજન બેડ, વેન્ટિલેટર અને ICUની પણ વ્યવસ્થા કરી છે. બાળકોમાં કોરોનાનાં લક્ષણો જણાય તો એની સારવાર, દર્દીને કઈ હૉસ્પિટલમાં મોકલવો વગેરેની ટ્રેનિંગ બાળનિષ્ણાત સહિત અન્ય ડૉક્ટરોને આપવામાં આવી છે. આ ટ્રેનિંગ ઑફલાઇન અને ઑનલાઇન છે.