ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 જૂન, 2021
સોમવાર
મુંબઈનું આકાશ સોમવારના વહેલી સવારથી કાળાં ડિબાંગ વાદળાંઓથી ઘેરાઈ ગયું હતું. અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાના કહેવા મુજબ જોકે મુંબઈમાં ચોમાસું બેસવાને હજી બે-ત્રણ દિવસનો સમય છે. હાલ પડી રહેલો વરસાદ પ્રી-મોન્સૂન શાવર છે. જોકે આ પ્રી-મોન્સૂન શાવર મુંબઈમાં ચોમાસાના આગામન થવાની છડી પોકારી રહ્યો છે. એ મુજબ જોરદાર વરસાદનાં ઝાપટાં પડતાં રહેવાનાં છે.
મહારાષ્ટ્રમાં રવિવાર સુધીમાં અલીબાગ, પુણે તથા રાયગઢ સુધીના વિસ્તારમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવે નૈર્ઋત્યનું ચોમાસું આગળ વધી રહ્યું છે. બે-ત્રણ દિવસમાં મુંબઈમાં સત્તાવાર રીતે એનું આગમન થઈ જવાની શક્યતા છે. મુંબઈમાં સતત બે-ત્રણ દિવસથી હળવા વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં છે. એમાં સોમવારે વહેલી સવારે પણ મુંબઈના અનેક વિસ્તારમાં વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં. મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોલાબામાં 9.4 મિલીમીટર અને સાંતાક્રુઝમાં 17.2 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
કોલાબા વેધશાળાના જણાવ્યા મુજબ મુંબઈનું આકાશ વાદળાંથી ઘેરાયેલું રહેશે તથા વરસાદનાં હળવાંથી ભારે ઝાપટાં પડતાં રહેશે. હાલ મહારાષ્ટ્રના કોંકણ અને ગોવા ઉપર આકાશમાં 0.9 કિલોમીટરના અંતરે સાયક્લોન સર્ક્યુલેશન સર્જાયું છે. એ ઉપરાંત મધ્ય પ્રદેશના નૈર્ઋત્ય વિસ્તારથી મહારાષ્ટ્રના મરાઠવાડા, તેલંગણા થઈને તામિલનાડુના ઉત્તર ભાગ સુધીના આકાશમાં પણ હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે. બદલાયેલાં પરિબળોને કારણે આગામી બે દિવસમાં સમગ્ર કોંકણ વિસ્તાર, મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, નાશિક, પુણે, ધુળે, જળગાંવ, અહમદનગર, સાંગલી, સતારા, કોલ્હાપુર, સોલાપુર, મરાઠવાડા, ઔરંગાબાદ, બીડ જેવા જિલ્લામાં વીજળીના ગડગડાટ અને ભારે પવનની સાથે વરસાદ પડવાની શક્યતા છે.
આ દરમિયાન ભારતીય હવામાન ખાતાના કહેવા મુજબ નૈર્ઋત્યના ચોમાસાએ મહારાષ્ટ્રના 30 ટકાથી વધુ હિસ્સાને આવરી લીધો છે અને હવે એ વધુ આગળ વધી રહ્યું છે તેમ જ ઈશાન ભારતમાં મણિપુર, મિઝોરમ, મેઘાલય, આસામ, અરુણાચલ પ્રદેશ ત્રિપુરા, નાગાલૅન્ડ અને બંગાળના ઉપસાગરના અમુક હિસ્સામાં પણ ચોમાસું આગળ વધ્યું છે.
તામિલનાડુના એક પ્રાણીસંગ્રહાલયમાં સિંહણનું કોરોનાથી મૃત્યુ; નવ સિંહ કોરોનાની ચપેટમાં, જાણો વિગત
નૈર્ઋત્યના મોસમી પવનો ભરપૂર ભેજવાળા છે. પવનોની દિશા પણ તીવ્ર છે તથા વરસાદી વાદળો માટે પરિબળ પણ સાનુકૂળ છે. તેથી નૈર્ઋત્યનું ચોમાસું દક્ષિણ ભારતના કિનારા પરથી દેશના પશ્ચિમ ભાગ તરફ વધી રહ્યું છે.