ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
વરલી સી ફેસ પર રવિવારે સવારે થયેલા વિચિત્ર અકસ્માતમાં 21 વર્ષના ડ્રાઈવર સહિત ચાર લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. રવિવારની સવાર હોવાથી અનેક લોકો મોર્નિંગ વોક માટે આવતા હોય છે. સદનસીબે આ બનાવમાં કોઈ જખમી થયું નહોતું. પરંતુ સી ફેસ પર થયેલા એક્સિડન્ટને કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ સવારના સમયે કાર સી ફેસ પર ડિવાઈડર સાથે જોરદાર ભટકાઈને સી ફેસની ફૂટપાથ(પેવેમેન્ટ) પર ચઢી ગઈ હતી અને ઝાડ સાથે અથડાઈને ફરી રસ્તા પર આવીને પલટી ખાઈ ગઈ હતી. એક્સિડન્ટ એટલો જબરદસ્ત હતો કે ફૂટપાથ પર રહેલું નાળિયેરીનું ઝોડ મૂળિયાથી ઉખડી ગયું હતું. સદનસીબે કારમાં સવાર રહેલા ચારમાંથી એક પણ વ્યક્તિને બહુ ઈજા થઈ નહોતી. એકાદને મામૂલી ઈજા થઈ હતી.
પોલીસે રેશ ડ્રાઈવીંગ અને બેદરકારી પૂર્વક વાહન ચલાવવા સહિત અનેક કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ બનાવ વરલી સી ફેસ રોડના ઉત્તર તરફના કિનારા પર પિરામલ હાઉસની સામેની તરફ બન્યો હતો. તાડદેવમાં રહેતો 21 વર્ષનો મિહીર ઝાપકર યુવક કાર હંકારી રહ્યો હતો ત્યારે આ એક્સિડન્ટ બન્યો હતો. તેની કાર જ્યારે ડીવાઈસ સાથે ભટકાઈ ત્યારે તેની કારની સ્પીડ 70 કિલોમીટર પ્રતિ કલાકની હતી.
ફૂલ સ્પીડે કાર હંકારી રહ્યો હોવાથી તેનો કાર પરથી નિયંત્રણ છૂટી ગયો હતો અને કાર ડિવાઈડર સાથે જોશભેર ભટકાઈ હતી. પોલીસે 21 વર્ષના યુવક સામે ગુનો નોંધ્યો હતો.