ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
મુંબઈ મહાનગરપાલિકાનું 2022-23ના આર્થિક વર્ષનું બજેટ કોઈ પણ પ્રકારના કરવેરા નહીં વધારતા ગુરુવારે રજુ થયું હતું. બજેટમાં હાલ કોઈ કરવેરા વધારવામાં આવ્યો નથી. પરંતુ ભવિષ્યમાં પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવિત છે, તેથી મુંબઈગરાએ હાલ ભલે રાહત મળી હોય પણ આગમી દિવસમાં વધુ મિલકત વેરો ચૂકવવાની તૈયારી રાખવી પડવાની છે.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પૂરી બાદ મુંબઈગરાઓ પર આર્થિક બોજ પડવાની શક્યતા છે. કારણકે મુંબઈ મહાનગરપાલિકા પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવા જઈ રહી છે, જે સાધારણ રીતે 15 ટકા સુધી જાય એવી શકયતા હોવાનું પાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે બજેટની સ્પીચ દરમિયાન કહ્યું હતું.
મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું કે આ વર્ષે કરવામાં આવેલો વધારો આગામી ત્રણ વર્ષ માટે રહેશે. મિલકત વેરો દર ત્રણ વર્ષે વધે છે. જોકે, કોરોનાએ છેલ્લા બે વર્ષમાં પ્રોપર્ટી ટેક્સ વધાર્યો નથી. જોકે, કોરોનાનો વ્યાપ ઘટી રહ્યો હોવાથી પ્રોપર્ટી ટેક્સમાં ફરીથી વધારો કરવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે 2021-22ની સાલમાં પ્રોપર્ટી ટેક્સમાંથી 7,000 કરોડ રૂપિયાની આવકનો અંદાજ હતો. પરંતુ તે ઘટીને 4,800 કરોડ રૂપિયા થઈ ગયો છે. ત્યારે 2022-23ની સાલમાં બજેટમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે કે પ્રોપર્ટી ટેક્સમાંથી 7,000 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવશે.