ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
આજની તારીખમાં વિશ્વના દરેક દેશમાં પવનવેગે વિકાસ થઈ રહ્યો છે, પરંતુ આ વિકાસમાં ક્યાંક ને ક્યાંક પર્યાવરણને પણ હાનિ પહોંચી રહી છે. એટલે માનવજાતિ એ વિકાસની આડમાં પ્રકૃતિને ભૂલવી ન જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને, કાંદિવલીનું એક NGO ગ્લોબલ ગ્રીન રેઝોનેન્સ ફાઉન્ડેશન દ્વારા પ્રકૃતિના સંવર્ધન હેતુ કાર્યરત છે.
ફાઉન્ડેશનના સેક્રેટરી અજય રાજપૂતે ન્યૂઝ કન્ટિન્યુઝને ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “આ ફાઉન્ડેશન હાલમાં પર્યાવરણ જનજાગૃતિ, રેઇન વૉટર હાર્વેસ્ટિંગ, પ્લાસ્ટિક વેસ્ટ એગ્રીગેશન, ઇલેક્ટ્રિક વેસ્ટ સેગ્રીગેશન વગેરે પ્રોજેકટ પર કાર્યરત છે. તેઓ હાલમાં શાળા અને કૉલેજના વિધાર્થીઓને ટાર્ગેટ કરી તેમની સાથે મળી આ પ્રોજેક્ટ પર કાર્યો કરે છે. વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી નાની-નાની પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ લાવીને આપે છે. આ ફાઉન્ડેશન તેને એકત્રિત કરીને રીસાઇક્લિંગ કરવાનું કામ કરે છે. ”
બોરીવલીમાં મ્હાડાની વણવપરાયેલી ૩૫૦થી વધારે જમીન; જમીનધારકો પર આ કાર્યવાહી કરશે મંડળ; જાણો વિગત
વધુમાં સેક્રેટરી એ જણાવ્યું હતું કે “આવતા મહિને ગાંધીજયંતી આવી રહી છે, તો તેના ઉપલક્ષમાં ફાઉન્ડેશન, કે.ઈ. એસ કૉલેજના એન.એન.એસ.ના વોલિન્ટિયર સાથે મળીને કાંદિવલીના મહાવીરનગર, એકતાનગર વગેરે વિસ્તારના સ્લમ (ઝૂંપડપટ્ટી) એરિયામાં જઈને લોકોને પ્લાસ્ટિકની નાની વસ્તુઓ, પેપર વગેરે જેવી વસ્તુ કે જેનું મૂલ્ય નહિવત્ હોય, તેને જમા કરવા જનજાગૃતિ ફેલાવે છે અને આ વસ્તુઓ તે લોકો ગાંધીજયંતીના દિવસે એકત્રિત કરશે. ત્યાર બાદ તેનું સેગ્રીગેશન કરશે. સેક્રેટરીનું કહેવું છે કે આ કાર્યોમાં તેઓને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. છતાં પ્રકૃતિને બચાવવા આ મોહિમ કાર્યરત રહેશે.”
સેક્રેટરીનો લોકોને સંદેશ
સેક્રેટરી લોકોને સંદેશ આપતાં જણાવે છે કે જો તમે કાંઈ નહીં બદલશો, તો કાંઈ નહિ બદલે, એટલે પ્રકૃતિને બચાવવાની જવાબદારી ફક્ત કોઈ એક વ્યક્તિ, NGO કે સરકારની નથી પણ સૌની સહિયારી જવાબદારી છે. સૌએ એકસાથે મળીને આ કાર્યમાં પોતાનો સહયોગ આપવો પડશે, ત્યારે જ આપણે આવતી પેઢીને પ્રદૂષણમુક્ત ભવિષ્ય આપી શકીએ.