ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ 2021
શુક્રવાર
સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ હોવાની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. એમાં પશ્ચિમ ઉપનગરમાં ગુજરાતી વિસ્તારોમાં હજી પણ કોરોના નિયંત્રણમાં આવવાનું નામ લેતો નથી. બોરીવલીથી લઈને મલાડ, કાંદિવલીમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો હોવાથી પાલિકાની ચિંતામાં વધારો થયો છે. તહેવારોમાં લોકોએ કોરોના સંબંધિત નિયમોનું કરેલા ઉલ્લંઘનને પગલે કેસમાં વધારો થયો હોવાની શક્યતા પાલિકાના આરોગ્ય ખાતા દ્વારા વ્યક્ત થઈ રહી છે.
મુંબઈના મોટા ભાગના વિસ્તારોમાં કોરોના નિયંત્રણમાં છે. પૉઝિટિવિટી રેટ પણ ઘટીને નીચે આવી ગયો છે. છેલ્લા લગભગ એક વર્ષથી એટલે કે જ્યારથી સરકારે કોરોના સંબંધિત નિયમોમાં છૂટછાટ આપી છે. ઑફિસો, દુકાનો ચાલુ થઈ છે ત્યારથી અન્ય વિસ્તારોની સરખામણીમાં કાંદિવલી, બોરીવલી અને મલાડ જેવા વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ દર્દીનો આંકડો ઊંચો જ રહ્યો છે. પાલિકાના ભારે પ્રયાસ બાદ પણ આ ગુજરાતી વિસ્તારોમાં કોરોનાના કેસમાં ઘટાડો થતો જોવા મળ્યો નથી. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન તો આ વિસ્તારોમાં કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે. એમાં પણ બોરીવલીમાં એક અઠવાડિયામાં દર્દી વધવાનો ફિગર ડબલમાં જ રહ્યો છે.
હાલ આર-સેન્ટ્રલ વૉર્ડના બોરીવલીમાં કોરોનાના ઍક્ટિવ કેસ 179, આર-સાઉથ કાંદિવલીમાં પણ 179, પી નૉર્થ વૉર્ડ મલાડમાં 154 ઍક્ટિવ કેસ છે. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાના સૌથી વધુ કેસ અંધેરી (વેસ્ટ) બાદ બીજા નંબરે સૌથી વધુ કેસ બોરીવલીમાં 50,372 નોંધાયા હતા, તો મૃત્યુઆંક 963 રહ્યો છે. કાંદીવલીમાં ચોથા નંબરે રહ્યું છે, દોઢ વર્ષમાં કોરોનાના કુલ 44,676 કેસ સામે 865 મૃત્યુ થયાં છે, તો પાંચમા નંબરે મલાડ રહ્યું છે. દોઢ વર્ષમાં અહીં કુલ દર્દી 43,475 નોંધાયા છે, એની સામે 966 મૃત્યુ થયાં છે.
બોરીવલીમાં ફેરિયાઓની દાદાગીરી, મુંબઈ મનપા લાચાર? ફૂટપાથ પર ફેરિયાઓનો ગેરકાયદે કબજો; જાણો વિગત
બોરીવલીમાં કેસમાં સતત થઈ રહેલા વધારાને બાબતે પાલિકાના આર-સેન્ટ્રલ વૉર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે કોરોના સંબંધિત નિયમોમાં છૂટછાટ આપવાની સાથે જ લોકોએ નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ કરી દીધું છે. ઑફિસો, દુકાનો ખૂલી ગઈ છે. તહેવારોમાં લોકોએ એકબીજાના ઘરે આવવા-જવાનું ચાલુ કરી દીધું છે. માસ્ક પહેરવાનું લોકોએ બંધ કરી દીધું છે. એથી કેસમાં થોડો વધારો જણાઈ રહ્યો છે. જોકે પાલિકાએ માસ્ક નહીં પહેરનારા લોકો સામે કાર્યવાહી વધુ આકરી કરી છે તેમ જ ટેસ્ટિંગ પણ વધારી દીધાં છે.
છેલ્લા એક અઠવાડિયાના ફિગર
તારીખ | આર-સેન્ટ્રલ બોરીવલી | આર-સાઉથ કાંદિવલી | પી-નોર્થ મલાડ |
20 ઓગસ્ટ | 21 | 13 | 25 |
21 ઓગસ્ટ | 21 | 9 | 8 |
22 ઓગસ્ટ | 11 | 11 | 10 |
23 ઓગસ્ટ | 13 | 13 | 7 |
24 ઓગસ્ટ | 14 | 16 | 13 |
25 ઓગસ્ટ | 20 | 24 | 17 |