ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
બોરીવલી (વેસ્ટ)માં રેલવે સ્ટેશનની બહાર જ પાલિકાની આર-સાઉથની વૉર્ડ ઑફિસ આવેલી છે. પાલિકાની આંખ સામે જ સ્ટેશનની બહાર મોટા ભાગના રસ્તા અને ફૂટપાથો પર ફેરિયાઓએ અતિક્રમણ કરી રાખ્યું છે. કમાલ તો ત્યારે થઈ જયારે ફૂટપાથ પર રેલિંગ બેસાડવા માટે પાલિકાએ ખોદેલા ખાડા ફેરિયાઓએ રાતોરાત પૂરી નાખ્યા. જોકે પાલિકાએ તાત્કાલિક ધોરણે ત્યાં ફરી ખાડા ખોડીને રેલિંગ બેસાડી દીધી છે.
ફૂટપાથ પર રેલિંગ બેસાડવાને કારણે ફેરિયાઓને ત્યાં બેસીને ધંધો કરવામાં અડચણ આવતી હોય છે. મોટા ભાગની ફૂટપાથ પર ફેરિયાઓ બિનધાસ્ત સ્ટૉલ લગાવીને ધંધો કરતા હોય છે. રેલિંગને કારણે તેમને સ્ટૉલ લગાડવામાં તકલીફ થાય છે.
પાલિકાએ સ્ટેશન બહાર સ્વામી વિવેકાનંદ રોડ (એસ. વી. રોડ) પર આવેલી ફૂટપાથ પર રેલિંગ બેસાડવા ખાડા ખોદ્યા, ફેરિયાઓએ એ ખાડા રાતોરાત પૂરી નાખ્યા હતા.
ફેરિયાઓની ચાલતી દાદાગરી અને ફૂટપાથ પર કરવામાં આવતા અતિક્રમણ બાબતે આર-સાઉથ વૉર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવારે પાલિકા દ્વારા ફૂટપાથ પર ફરી ખાડા ખોદીને રેલિંગ બેસાડી દેવામા આવી છે. ફેરિયાઓ સામે વારંવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ તેઓ ફરી આવીને બેસી જતા હોય છે. મોટા ભાગના ફેરિયાઓ લાઇસન્સ ધરાવતા નથી. ગેરકાયદે તેઓએ ફૂટપાથ પર અતિક્રમણ કરેલું છે.