ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો
મુંબઈ, 8-6-2021
મંગળવાર
લૉકડાઉનમાં કંઈક રાહત મળતાં સોમવારથી બેસ્ટ સંપૂર્ણ ક્ષમતા સાથે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. જોકે સીટ ફુલ થઈ જતાં મુસાફરોને બસમાં પ્રવેશ ન અપાતાં મુંબઈગરાઓ હેરાનપરેશાન થઈ ગયા હતા. પ્રવાસીઓને બસમાં ઊભા રહીને પ્રવાસ કરવાની મંજૂરી ન હોવાથી બસસ્ટૉપ ઉપર લાંબી લાંબી લાઇનો લાગી ગઈ હતી.
લૉકડાઉનના નિયમો હળવો કરાતાં ઘણોખરો વ્યવહાર શરૂ થતાં મુંબઈમાં શનિવારથી ગિર્દી વધી હતી. સામાન્ય
નાગરિકો હજી લોકલ ટ્રેનમાં મુસાફરી ન કરી શકતા હોવાથી બેસ્ટ પર ભાર વધશે એ વાત ધ્યાનમાં રાખી સોમવારથી સંપૂર્ણ ક્ષમતા સાથે બેસ્ટની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે બસમાં ઊભા રહીને પ્રવાસ કરવાની મનાઈ હોવાથી સોમવારે મોટા ભાગના મુસાફરો બસની લાઇનમાં કલાકોના કલાકો ઊભા રહીને કંટાળી ગયા હતા.
પહેલા સ્ટૉપ ઉપરથી જ આખી બસ ફુલ થઈ જવાથી અન્ય સ્ટૉપ ઉપરના પ્રવાસીઓને બસમાં ચડવા ન મળતાં મોટા ભાગનાં બસસ્ટૉપ ઉપર લાંબી લાંબી લાઇનો જોવા મળતી હતી. સવારે આઠ વાગ્યાથી લઈને સાંજે સાડાપાંચથી રાતે આઠ વાગ્યા સુધી આ સ્થિતિ મુંબઈમાં જોવા મળી હતી. આવી અફરાતફરીમાં સૌથી વધારે હેરાન ઑફિસ કર્મચારીઓ થયા હતા. એકેય બસ ન ઊભી છેવટે તેમણે ઓલા-ઉબર અથવા રિક્ષાનો સહારો લેવો પડ્યો હતો.
થાણે જિલ્લાની હાલત પણ મુંબઈ જેવી જ હતી. અનલૉકના પહેલા જ દિવસે લોકોનું મહેરામણ જાણે રસ્તા પર ઊતરી આવ્યું હતું. થાણેના વિવિધ વિસ્તારોમાં તો ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ ગઈ હતી.