ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
સાકીનાકામાં ગયા અઠવાડિયા થયેલા મહિલાના બળાત્કાર અને હત્યા પ્રકરણમાં હવે પ્રાંતવાદનો વિષય આવી ગયો છે. પરપ્રાંતીયોને લઈ ફરી એક વખત મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બળાત્કારના પ્રકરણ પર બોલતાં સમયે પરપ્રાંતીયોને લઈને કરેલા વિવાદાસ્પદ નિવદેનને ભાજપે વખોડી કાઢયું છે. ભાજપના કાંદિવલીના વિધાનસભ્ય અતુલ ભાતખળકરે સાકીનાકા પોલીસ સ્ટેશનમાં મુખ્ય પ્રધાન વિરુદ્ધ ફરિયાદ નોંધવી છે.
અતુલ ભાતખળકરના કહેવા મુજબ મુખ્ય પ્રધાને બે સમાજ વચ્ચે અંતર ઊભું કરે એવું નિવેદન આપ્યું છે. સાકીનાકા બળાત્કાર પ્રકરણ બાદ ઉદ્ધવ ઠાકરેએ અન્ય રાજ્યમાંથી આવનારા લોકોની રજિસ્ટરમાં નોંધ રાખવી પડશે. આ લોકો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એના પર નજર રાખવી પડશે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં થતા ગુનાઓમાં પરપ્રાંતીયો જવાબદાર હોવાનો અપ્રત્યક્ષ રીતે કહ્યું હતું. મુખ્ય પ્રધાન થઈને અન્ય રાજ્યોના લોકો પ્રત્યે વેરભાવ ઊભું કરનારું ભડકાઉ નિવેદન આપ્યું છે. એની ભાજપ સખત નિંદા કરે છે.
અહીં ઉલ્લેખનીય છે કે બળાત્કારનો આરોપી ઉત્તર પ્રદેશનો છે. આ પ્રકરણ બાદપોલીસ સાથે ચર્ચા દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ પરપ્રાંતીય લોકો વિશે પોલીસ પાસે માહિતી માગી હતી. મહારાષ્ટ્રમાં આવતા-જતા લોકોનું રજિસ્ટ્રેશ કરવા બાબતે પણ વાત કરી હતી. એથી ભાજપ ગિન્નાયો છે, ત્યારે અહીં વાત પણ નોંધનીય છે કે બીજા રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં આવનારા લોકોના નામે રાજ્યમાં ગુનેગારીનું પ્રમાણ વધી ગયું છે. એથી તેમના પર નજર રાખવાની વાત ઉદ્ધવ ઠાકરે કરી હતી, ત્યારે આવી જ માગણી અગાઉ મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે પણ કરી ચૂક્યા છે.