ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 જૂન 2021
ગુરુવાર
બોરીવલીમાં ફ્લાયઓવર બાંધવા પાછળ મુંબઈ મહાનગરપાલિકા 651 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. ફ્લાયઓવરના કામને 2018ની સાલમાં મંજૂરી મળી હતી, પંરતુ કામ ચાલુ નહીં થવાથી ચાર વર્ષમાં પુલના કામમાં 350 કરોડ રૂપિયાનો વધારો થયો છે, એવા દાવા સાથે પાલિકા પ્રશાસન સ્ટૅન્ડિંગ કમિટીની બેઠકમાં આ પ્રસ્તાવ મંજૂરી માટે લાવી હતી. જોકે ચાર વર્ષમાં આ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો વધારો કઈ રીતે થયો? ચાર વર્ષમાં શું કામ કર્યું? એનો હિસાબ આપો પછી બીજી વાત. એમ કહીને કૉન્ગ્રેસ સહિત ભાજપ સ્ટૅન્ડિંગમાં આક્રમક થઈ ગયા હતા. ફ્લાયઓવરના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આરોપ પણ કૉન્ગ્રેસ અને ભાજપે કર્યો હતો.
સ્ટૅન્ડિંગની બેઠકમાં ફ્લાયઓવર પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન નવેસરથી ટેન્ડર મગાવીને ફ્લાયઓવર બાંધવાનું ઉચિત રહેશે એવી માગણી વિરોધ પક્ષે કરી હતી. ભાજપના નગરસેવક ભાલચંદ્ર શિરસાટે પાલિકાનો મનમાનીભર્યો કારભાર હોવાનો આરોપ કર્યો હતો. વિરોધ પક્ષે એકમતે આ પ્રસ્તાવને મંજૂરી નહીં આપતાં એને ફગાવી દીધો હતો.
બોરીવલી (પશ્ચિમ)ના આર. એમ. ભટ્ટ રોડ અને એસ. વી. રોડ જંક્શન પર કલ્પના ચાવલા ચોક પાસે બાંધવામાં આવનારા આ ફ્લાયઓવરને બોરીવલી (પૂર્વ) સુધી લંબાવામાં આવ્યો છે. એથી પુલનો ખર્ચ વધી ગયો છે. અગાઉ 161 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલ બંધાવાનો હતો, પરંતુ હવે પુલની લંબાઈ વધી જવાની સાથે જ જુદા-જુદા ટૅક્સને પગલે ખર્ચ વધી 651 કરોડ રૂપિયાની આસપાસ થઈ ગયો છે.