ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જૂન 2021
શનિવાર
શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના સેક્રેટરી મિલિંદ નાર્વેકરે દાપોલીના મુરુડ ગામમાં ગેરકાયદે રીતે બંગલો ઊભો કર્યો છે એવો ગંભીર આરોપ ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સૌમેયાએ કર્યો છે. એથી શિવસેનાના નેતાઓમાં ફરીથી ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ અગાઉ મહારાષ્ટ્રના ટ્રાન્સપૉર્ટ ખાતાના પ્રધાન અનિલ પરબ સામે ગેરકાયદે રીતે મુરુડમાં રિસૉર્ટ ઊભો કરવાનો પણ કિરીટ સોમૈયાએ આરોપ કર્યો હતો. હવે તેમણે મિલિંદ નાર્વેકરે પણ મુરુડમાં દરિયાકિનારા પાસે 72 ગુંઠા જગ્યા લીધી હોવાનો આરોપ કર્યો છે. હાલ અહીં ગેરકાયદે રીતે બે માળાના બંગલાને બાંધવાનું કામ ચાલી રહ્યું છે.
બંગલો બાંધવા માટે મોટા પ્રમાણમાં જંગલોમાં રહેલા વૃક્ષોને કાપી નાખવામાં આવ્યાં છે તેમ જ મોટા પ્રમાણમાં અહીં ખોદકામ પણ કરવામાં આવી રહ્યું છે એવા આરોપ પણ કિરીટ સૌમેયાએ કર્યો છે. અનિલ પરબના ગેરકાયદે રિસૉર્ટ નજીક જ ઊભા કરવામાં આવી રહેલા બંગલા સામે આગામી દિવસોમાં પગલાં લેવામાં આવશે એવો વિશ્વાસ કિરીટ સૌમેયાએ વ્યક્ત કર્યો હતો.
કિરીટ સોમૈયાએ રાજ્યના પર્યાવરણ સેક્રેટરી અને મહારાષ્ટ્ર કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના અધ્યક્ષ મનીષા મ્હૈસકરની મુલાકાત લીધી હતી. તથા આ બાબતે તેમને ફરિયાદ પણ કરી હતી. દિલ્હીમાં પણ તેઓ ફરિયાદ કરવાના છે. કિરીટ સૌમેયાએ બંગલા પ્રકરણમાં અનિલ પરબ સહિત મિલિંદ નાર્વેકર સામે CBI તપાસની માગણી કરી છે.