ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
ભાયખલામાં મુંબઈ મહાનગરપાલિકાએ રિચાર્ડસન ઍન્ડ ક્રુડાસ જમ્બો કોવિડ સેન્ટર ઊભું કરવા લગભગ 52 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. દર મહિને 2.44 કરોડ રૂપિયા ભાડા સહિત અન્ય ખર્ચ માટે પાલિકા આટલા રૂપિયા ખર્ચે છે, પરંતુ મુંબઈગરાના ટૅક્સની કમાણી અહીં વેડફાઈ રહી છે. આટલા કરોડ રૂપિયા ખર્ચીને પણ જમ્બો સેન્ટર વપરાયા વગરનું પડી રહ્યું હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.
સમાજવાદી પાર્ટીના નેતા રઈસ શેખના જણાવ્યા મુજબ જુલાઈ 2020માં અહીં જમ્બો કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. એની પાછળ દર મહિને 2.44 કરોડ રૂપિયાનું ભાડું ચૂકવે છે. અત્યાર સુધી લગભગ 30 કરોડ રૂપિયા ભાડા પાછળ ખર્ચવામાં આવ્યા છે, તો 8.22 કરોડ રૂપિયા આરોગ્ય માળખું અને ટેન્ટ વગેરે ઊભાં કરવા પાછળ વાપરી નાખ્યા છે. સેન્ટરમાં RT-PCR ટેસ્ટ અને કોવિડની દવા પાછળ 13 કરોડ રૂપિયા વાપરી નાખ્યા છે. 43 લાખ રૂપિયા દર્દીના ખાવા-પીવા પાછળ વપરાયા છે. એની સામે બહુ ઓછા દર્દીઓ માટે આ જમ્બો સેન્ટર વપરાયો છે.
ટ્વિટર વૉર : હવે મુંબઈના આ કૉન્ગ્રેસના નેતાનું ઍકાઉન્ટ બ્લૉક કરાયું; જાણો વિગત
અત્યાર સુધી અહીં માત્ર 119 હાઈ રિસ્ક (કોરોના શંકાસ્પદ દર્દી)ને અહીં સારવાર આપવામાં આવી હતી. 7,470 લોકોને અહીં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. 3,047 લક્ષણો નહીં ધરાવતા દર્દીને અહીં કોવિડ કૅર સેન્ટર-2માં સારવાર આપવામાં આવી હતી. કોવિડ જમ્બો સેન્ટરના હેલ્થ સેન્ટરમાં 905 પૉઝિટિવ પેશેન્ટને સારવાર આપવામાં આવી હતી.
કોરોનાની બીજી લહેર દરમિયાન જ્યારે એક તરફ ઑક્સિજન અને ICU બેડની અછત હતી ત્યારે પણ અહીં 80 ટકા પલંગ ખાલી હતા. હાલ અહીં 800 પલંગની ક્ષમતા છે, પણ એમાંથી ગણ્યાગાંઠ્યા પલંગ ઑક્યુપાય છે. જ્યારે આ કોવિડ કૅર સેન્ટરની એની પૂર્ણ ક્ષમતા મુજબ હજી સુધી વપરાયું જ નથી તો શા માટે કરોડો રૂપિયા એની પાછળ વેડફવામાં આવી રહ્યા છે, એવો સવાલ પણ નગરસેવક રઈસ શેખે કર્યો છે.