ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
કૉન્ગ્રેસ અને ટ્વિટર વચ્ચે રીતસરનો જંગ ચાલી રહ્યો છે. ટ્વિટર દ્વારા હવે મુંબઈના કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમનું ટ્વિટર ઍકાઉન્ટ બ્લૉક કરી દેવામાં આવ્યું છે. એની સામે તેમણે નારાજગી જતાવતાં સવાલ કર્યો હતો કે આઝાદીની વધુ એક લડાઈ હવે શું ટ્વિટરની વિરુદ્ધ લડવાની છે ? બીજેપીએ એવો કાયદો બનાવ્યો છે અને એની આડમાં પહેલા રાહુલ ગાંધી અને હવે મારા સહિત અનેક કૉન્ગ્રેસી નેતાનાં ઍકાઉન્ટ બ્લૉક કરી દેવામાં આવ્યાં હોવાનો આરોપ પણ સંજય નિરૂપમે કર્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ગયા અઠવાડિયામાં દિલ્હીમાં નવ વર્ષની બાળકીના કથિત બળાત્કાર અને હત્યા થયા બાદ તેના પરિવારની મુલાકાત લીઘી હતી અને તેના પરિવાર સાથેનો એક ફોટો ટ્વિટર પર નાખ્યો હતો. એને પગલે ટ્વિટર દ્વારા કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનું ઍકાઉન્ટ બ્લૉક કરી દેવામાં આવ્યું હતું. એને પગલે કૉન્ગ્રેસ અને ટ્વિટર સામસામે આવી ગયાં હતાં. દેશભરમાં એની સામે કૉન્ગ્રેસે વિરોધ કર્યો છે. એને પગલે કૉન્ગ્રેસના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ ઍકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. એ બાદ કૉન્ગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓનાં પણ ઍકાઉન્ટ બંધ કરવામાં આવ્યાં છે. કૉન્ગ્રેસ દ્વારા તેના મોટા નેતા સહિત અંદાજે 5,000થી વધુ નેતાનાં ટ્વિટર ઍકાઉન્ટ બ્લૉક કરી દેવામાં આવ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દેશભરમાં કૉન્ગ્રેસે એની સામે વિરોધ કર્યો છે. સરકારના દબાણ હેઠળ ટ્વિટર વિપક્ષના નેતા અને પક્ષના ટ્વિટર ઍકાઉન્ટ બંધ કરી રહી હોવાનો આરોપ કરી રહી છે અને ટ્વિટર આ કાર્યવાહીને યોગ્ય ઠરાવી રહી છે.