ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,4 જાન્યુઆરી 2022
મંગળવાર.
તમારી સોસાયટીમાં તમે ભીનો અને સૂકો કચરો અલગ અલગ કાઢયો છે, છતાં પાલિકાની ગાડી તેને અલગ અલગ નથી લઈ જતી તો તમે તેની ફરિયાદ મુંબઈ મહાનગરપાલિકાને કરી શકો છો. પાલિકાએ તે માટે અલાયદો ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે.
કચરો જયાં નીકળે છે ત્યાં જ તેનું વર્ગીકરણ કરવાનું મુંબઈ મહાનગરપાલિકાએ ફરજિયાત બનાવ્યું છે. અલગ કરેલા કચરાને ઉપાડવા માટે સ્વતંત્ર ખાના હોય તેવા વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે કચરો અલગ અલગ કર્યા બાદ પણ તે ઉપાડવામાં આવ્યો નહીં તો મુંબઈગરા હવેથી તેની ફરિયાદ કરી શકે છે.
પાલિકાના નિયમ મુજબ તમામ નાગરિકોએ સૂકો અને ભીનો કચરો અલગ કર્યા બાદ કચરો ભેગો કરનારી સંસ્થાને હસ્તાંતરણ કરવું ફરજિયાત છે. મોટા પ્રમાણમાં કચરાનું નિર્માણ કરનારી હાઉસિંગ સોસાયટીઓને તેમના સોસાયટીના પરિસરમાં જ કચરા પર પ્રક્રિયા કરવી આવશ્યક છે.
શું મુંબઈગરાને ફરી એક વખત લોકલ ટ્રેનમાં પ્રવાસ પર પ્રતિબંધ આવી જશે? BMCના અધિકારીએ કહી દીધી મોટી વાત; જાણો વિગત
કચરાનું વર્ગીકરણ કર્યા બાદ અલગ કરેલા કચરાને લઈ જવા માટે તેમ જ તેમાં આવતી સમસ્યાઓ માટે નાગરિકોને કોઈ મૂંઝવણ હોય તે માટે પાલિકાએ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. 1800-22-1916 આ સ્વતંત્ર નંબર પર નાગરિકો સવારના 9થી સાંજના 6 વાગ્યા સુધી ફોન કરી શકશે.