ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર.
મુંબઈમાં દિવસેને દિવસે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. રવિવારે મુંબઈમાં 8063 જેટલા કેસ નોંધાયા હતા. દરરોજ સરેરાશ દોઢ હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે મુંબઈ મહાનગરપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે મુંબઈગરાને મુંબઈની હોસ્પિટલમાં હજી પણ 90 ટકા પલંગ ખાલી છે. ડરો નહીં પણ કોરોનાને લગતા તમામ નિયમોનું સખ્તાઈપૂર્વક પાલન કરો એવી અપીલ કરી છે.
મુંબઈમાં ડિસેમ્બર 25 સુધી કોરોનાના 250થી નીચે રોજના કેસ નોંધાયા હતા. પરંતુ છેલ્લા અઠવાડિયાથી કેસ સતત વધી રહ્યા છે. મુંબઈમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 29,819 પર પહોંચી ગઈ છે. કેસ ડબલ થવાનો સમયગાળો પણ ઘટીને 183 દિવસનો થઈ ગયો છે. ટાસ્ક ફોર્સે આગામી દિવસમાં રોજના નોંધાતા કેસનો આંકડો 10,000ની ઉપર જવાની શક્યતા વ્યક્ત કરી છે. ફરી લોકડાઉન અમલમાં આવે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. કેસની સંખ્યા જે રીતે રોજ વધી રહી છે, તેને જોતા હોસ્પિટલ અને જંબો સેન્ટર પર ફૂલ થઈ જાય એવી શક્યતા જણાઈ રહી છે.
મુંબઈગરા પેનિક થઈ ગયા છે ત્યારે મનપા કમિશનર ઈકબાલસિંહ ચહલે મુંબઈગરાને રવિવારે અપીલ કરતા કહ્યું હતું કે ડરો નહીં પણ કોવિડને લગતા નિયમોનું સખ્તાઈપૂર્વક પાલન કરો. તેમણે કહ્યું હતું કે મુંબઈમાં નોંધાયેલા કેસમાંથી 89 ટકા કેસ અસિમ્પટોમેટિક (લક્ષણો વગરના) છે. રવિવારે નોંધાયેલા 8063 કેસમાંથી ફકત 503 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ગરજ પડી હતી. તેમાંથી ફક્ત 56 દર્દીને ઓક્સિજનવાળા બેડની આવશ્યકતા નિર્માણ થઈ હતી.
કમિશનરે કહ્યું હતું કે કેસ વધી રહ્યા છે. ત્યારે નાગરિકોએ કોરોનાને લગતા તમામ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે. હોમ ક્વોરન્ટાઈન રહેલા દર્દીઓએ સખતાઈ પૂર્વક તેના નિયમોનું પાલન કરવાનું રહેશે. તેથી લોકોમાં તેનો ચેપ ફેલાય નહીં.