ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર.
એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતી ધારાવીમાં ફરી એક વખત કોરોના કેસનો વિસ્ફોટ થયો છે. રવિવારે એક જ દિવસમાં ધારાવીમાં 60 જેટલા કેસ નોંધાતા હડકંપ મચી ગયો હતો. અચાનક કેસમાં થયેલા વધારાએ મુંબઈ મહાનગરપાલિકાનું ટેન્શન વધારી દીધું છે.
કોરોનાની પહેલી લહેર દરમિયાન ધારાવી કોરાનાનું હોટસ્પોટ બની ગયું હતું. ગીચ ઝુંપડપટ્ટી હોવાથી કોરોનાના ઝપાટાબંધ વધી રહેલા કેસને પગલે ગયા વર્ષે પાલિકાનું ટેન્શન વધી ગયું હતું. જોકે અનેક ઉપાય યોજનાને પગલે કોરોનાને નિયંત્રણમાં લેવામાં મુંબઈ મહાનગરપાલિકાને જબરદસ્ત સફળતા મળી હતી. ધારાવી પેર્ટનની દુનિયાભરમાં નોંધ લેવામાં આવી હતી.
જોકે હવે છેલ્લા એક અઠવાડિયાથી મુંબઈમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થયો છે. 100 પર પહોંચી ગયેલી કોરોનાના કેસ અઠવાડિયામાં જ 8,000ની ઉપર પહોંચી ગયા છે. રવિવારે કોરોનાના નવા 60 કેસ નોંધાયા હતા. હાલ ધારાવીમાં કોરોનાના 179 એક્ટિવ કેસ થઈ ગયા છે. છેલ્લા 18 મહિનામાં ધારાવીમાં કોરોનાના 7357 કેસ નોંધાયા હતા. તો અત્યાર સુધી 6761 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પ્રદૂષણ અટકાવવા નવો કીમિયો, પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ કરી આ મોટી જાહેરાત; જાણો વિગત
ધારાવીમાં કેસમાં આવેલા ઉછાળાને પગલે ફરી એક વખત પાલિકાના જી-નોર્થ વોર્ડ દ્વારા અહીં કોરોનાની ટેસ્ટિંગ વધારી દીધી છે. તેમ જ વૅક્સિનેશન ઝુંબેશ પણ વધુ તીવ્ર કરી દેવામાં આવી હોવાનું આસિસ્ટન્ટ કમિશનર કિરણ દિધાવકરે કહ્યું હતું.