ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઑગસ્ટ, 2021
મંગળવાર
મુંબઈ મહાનગરપાલિકાએ મોટા ઉપાડે જાહેર કરેલી રેન વૉટર હાર્વેસ્ટિંગ યોજનાનું બાષ્પીભવન થઈ ગયું છે. ડેવલપમેન્ટ કંટ્રોલ ઍન્ડ પ્રમોશન રેગ્યુલેશન (DCPR)માં રહેલા નિયમને પાલિકાએ બદલી નાખ્યો છે. એ મુજબ હવેથી 500 ચોરસ મીટર અથવા એનાથી વધુ જગ્યા પર બાંધકામ કરનારા માટે હવેથી રેન વૉટર હાર્વેસ્ટિંગ ફરજિયાત રહશે.
મુંબઈની વધતી વસતી સામે પાણીની ભવિષ્યમાં અછત સર્જાવાની શક્યતા છે. એથી મુંબઈ મનપા રેન વૉટર હાર્વેસ્ટિંગ, સ્યુએજ વૉટર પર પ્રક્રિયા કરીને પીવા સિવાયના અન્ય ઉપયોગ કરવા જેવી અનેક યોજનાઓ અમલમાં લાવી હતી. મુંબઈમાં અત્યાર સુધી 300 સ્ક્વેર મીટર એરિયા (ચોરસ મીટર)થી વધુ ક્ષેત્રફળની જગ્યામાં રેન વૉટર હાર્વેસ્ટિંગ ફરજિયાત હતું. પરંતુ પાલિકાના નવા ડેવલપમેન્ટ કંટ્રોલ ઍન્ડ પ્રમોશન રેગ્યુલેશન (DCPR) 34 મુજબ હવેથી 500 ચોરસ મીટર કરતાં વધુ જગ્યા પર બાંધકામ કરનારા માટે રેન વૉટર હાર્વેસ્ટિંગ ફરજિયાત રહશે. મુંબઈમાં જગ્યાના અભાવે મોટા ભાગના બિલ્ડિંગના બાંધકામ 300 ચોરસ મીટરની અંદરના પ્લૉટમાં જ થતું હોય છે. એથી નિયમમાં ફેરફાર કરીને પાલિકાએ હવે રેન વૉટર હાર્વેસ્ટિંગ યોજનાનો જ વીટો વાળી દીધો હોવાનું કહેવાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાના આદેશ મુજબ માર્ચ 2005માં નવાબિલ્ડિંગના બાંધકામના પ્રોજેક્ટને મંજૂરી આપતાં સમયે 1,000 ચોરસ મીટરની જગ્યા પર રેન વૉટર હાર્વેસ્ટિંગ ફરજિયાત હતું. ત્યાર બાદ બે વર્ષની અંદર જ આ શરતમાં ફેરફાર કરી નાખવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે અધિસૂચના બહાર પાડીને શરતમાં સુધારો કર્યો હતો. એમાં જૂન 2007થી ગામડાવિસ્તારને છોડીને 300 ચોરસ મીટર અને એનાથી વધુ ક્ષેત્રફળ ધરાવતા પ્લૉટના ડેવલપમેન્ટ અથવા રીડેવલપમેન્ટમાં રેન વૉટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યું હતું. હવે ફરીથી 2007ની અધિસૂચનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. DCPR 34 મુજબ હવે 500 ચોરસ મીટર અથવા એનાથી વધુ ક્ષેત્રફળ ધરાવતા પ્લૉટના માટે રેન વૉટર હાર્વેસ્ટિંગ ફરજિયાત રહેશે.
પાલિકાના નિયમ મુજબ સામાન્ય રીતે બિલ્ડિંગનું બાંધકામ થયા બાદ પાલિકા પાસેથી ઑક્યુપેશન સર્ટિફિકેટ (OC)લેવાનું હોય છે. એ પહેલાં રેન વૉટર હાર્વેસ્ટિંગ યોજના પૂરી થયું હોવાનું સર્ટિફિકેટ પાલિકાને આપવાનું ફરજિયાત હોય છે, ત્યાર બાદ જ OC મળે છે.
મુંબઈમાં 6 જૂન, 2007થી 31 મે, 2021ના સમયગાળા દરમિયાન લગભગ 3,000થી વધુ બિલ્ડિંગમાં રેન વૉટર હાર્વેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. એમાં બાંદરાથી અંધેરીમાં 877, ગોરેગામથી દહિસરમાં 864 અને કુર્લાથી મુલુંડમાં 11,00 બિલ્ડિંગનો સમાવેશ થાય છે.