ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
દાદરમાં ફેરિયાઓ પાસેથી હપ્તા વસૂલી કરનારા ફેરિયાને હાલમાં જ પોલીસે પકડી પાડયો હતો. ચાલીઓ જ નહીં, પણ બિલ્ડિંગમાં પણ અનેક ઘર ધરાવતો આ ફેરિયો કરોડો રૂપિયાનો આસામી છે. આરોપી સંતોષકુમાર ૨૦૦૫ની આસપાસ ઉત્તર પ્રદેશથી મુંબઈ આવ્યો હતો. શરૂઆતમાં દાદર સ્ટેશનના બ્રિજ પર શેવિંગ બ્લેડ્સ વેચતો હતો. સમય જતાં અમુક ગુનેગારના સંપર્કમાં આવ્યા બાદ તે ખંડણીખોર બની ગયો હતો. રેલવે પોલીસે તો સંતોષને પકડી પાડ્યો પણ તેના જેવા અનેક ખંડણીખોર હજી પણ દાદરમાં હોવાનું કહેવાય છે.
સંતોષ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કલ્યાણ સુધી અલગ અલગ રેલવે સ્ટેશન પર ધંધો કરતા ફેરિયાઓ પાસેથી ખંડણી વસૂલ કરતો હતો. આ પ્રકારે તેણે કરોડો રૂપિયાની માલમતા ઊભી કરી હતી. તેની ટોળકી ફેરિયાઓ પાસેથી નહીં, પણ દાદરમાં વેપારીઓ પાસેથી પણ હપ્તા વસૂલીનું રીતસરનું રેકેટ ચલાવતી હતી. ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)એ એક ફેરિયાની ફરિયાદને આધારે આરોપી સંતોષકુમાર સિંહ ઉર્ફ બબલુ ઠાકુરને પકડી પાડ્યો હતો. ૪૩ વર્ષના આરોપી સામે મોક્કા કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. તેની સાથે તેની પત્ની સહિત આઠ લોકોને પકડી પાડવામાં આવ્યા હતા.
રેલવે પોલીસના જણાવ્યા મુજબ સંતોષકુમાર ૨૦૦૫માં ઉત્તર પ્રદેશથી મુંબઈ આવ્યો હતો. શરૂઆતમાં તે દાદર સ્ટેશન પર બેસતો હતો. એ સમયે ગુનેગારના સંપર્કમાં આવ્યો ત્યારથી તે ખંડણીખોર બની ગયો હતો. દાદર એમ પણ મોટી માર્કેટ ગણાય છે અને મોટી સંખ્યામાં સ્ટેશનની આજુબાજુના પરિસરમાં ફેરિયાઓ ધંધો કરતા હોય છે. ગેરકાયદે ધંધો કરનારા આ ફેરિયાઓ પાસે પાલિકાના લાઇસન્સ હોતાં નથી. છતાં બિનધાસ્ત ધંધો કરતા હોય છે. તેમને પ્રોટેક્શન આપવાનું કામ સંતોષ જેવા અનેક ગુંડાઓ કરતા હોય છે. ખાસ કરીને દાદરમાં તો વેપારી અને ફેરિયાઓ પાસેથી હપ્તા વસૂલી કરવાનો ધંધો ફૂલ્યોફાલ્યો છે.
પ્રોટેક્શન મનીના નામે સંતોષ ફેરિયાઓ પાસેથી જ નહીં, પણ દાદર સ્ટેશનની બહાર આવેલી દુકાનના વેપારી પાસેથી પણ પૈસા ઉઘરાવતો હોવાનું કહેવાય છે. દાદરમાં મોટી માર્કેટ આવેલી છે. વેપારીઓ માટેનું એક પ્રકારનું હબ કહેવાય છે. એથી સંતોષ જેવા ખંડણીખોરો માટે વેપારીઓ અને ફેરિયાઓ પાસેથી ખંડણી ઉઘરાવવાનું કામ બિનધાસ્ત ચાલતું હતું.
વેપારીઓને જોકે ફક્ત સંતોષ જેવા ગુંડાઓને જ નહીં, પણ પોલીસ અને પાલિકાના કર્મચારીઓે પણ હપ્તા આપવાના હોય છે. એથી સંતોષ નામનો ખંડણીખોર પકડાઈ ગયો છતાં આ તો પાશેરામાં પહેલી પૂણી સમાન છે. પોલીસ અને પાલિકાના જ અનેક કર્મચારી-અધિકારીઓ પણ દુકાનદારની સાથે ફેરિયાઓ પાસેથી હપ્તા વસૂલ કરતા હોય છે.