ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑગસ્ટ, 2021
ગુરુવાર
યુરોપ, અમેરિકા સહિતના દેશોમાં કોરોનાની ત્રીજી લહેર જોખમી સાબિત થઈ રહી છે. ભારતમાં ઑગસ્ટના અંતથી સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેર ત્રાટકવાની શક્યતા છે. એથી મુંબઈ મહાનગરપાલિકા અત્યારથી ચેતી ગઈ છે. ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં રાખીને પાલિકાએ પ્રત્યેક દર્દીની પાછળ 20 લોકોનું કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરશે. હાલ 30,000 ટેસ્ટિગં થાય છે, એમાં હજી વધારો કરશે. એ ઉપરાંત તમામ હૉસ્પિટલ તથા કોવિડ કૅર સેન્ટરમાં ઑક્સિજન પલંગ, ICU પલંગની સંખ્યા વધારવાની સાથે જ દવાઓ પણ ખરીદવામાં આવી રહી છે. એ માટે બુધવારે 36 કરોડ રૂપિયાનો દવાનો પ્રસ્તાવ પણ સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યો હતો. એ સાથે જમ્બો કોવિડ સેન્ટર માટે દવા, ઑક્સિજન સ્ટોર કરવા માટે ટૅન્ક વગેરેની તૈયારી પણ જોરદાર કરવામાં આવી રહી છે.
કોરાનાની બીજી લહેરમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો પશ્ચિમ ઉપનગરના બોરીવલી, કાંદિવલી રહ્યા હતા. એને ધ્યાનમાં રાખીને પાલિકા કાંદિવલીમાં આવેલી ESIS હૉસ્પિટલમાં 68 પલંગ કોરોનાના દર્દી માટે અનામત રાખી રહી છે. અહીં ICU વૉર્ડ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. એ માટે પાલિકા લગભગ 8 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવાની છે.