ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
રવિવારે અનંતચતુર્દશીના દિવસે ગણપતિબાપ્પાને વિદાય આપવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈની જુદી જુદી ચોપાટીઓ તથા વિસર્જન સ્થળ પર જોરદાર તૈયારીઓ કરી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને તમામ નિયમોનું પાલન કરીને ગણેશમૂર્તિઓનું વિસર્જન થાય એની તકેદારી પાલિકાએ રાખી છે.
મુંબઈના 24 વૉર્ડમાં વિસર્જન માટે પાલિકાના લગભગ 25 હજાર કર્મચારીઓને ફરજ પર તહેનાત કરવામાં આવવાના છે. વિસર્જન માટે ભીડ ન થાય અને કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થાય નહીં એ માટે તમામ વૉર્ડમાં કૃત્રિમ વિસર્જન સ્થળ તૈયાર કરવામાં આવ્યાં છે. એમાં 173 સ્થળે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યાં છે. આવશ્યકતા મુજબ મૂર્તિ સંકલન કેન્દ્ર ઊભાં કરવામાં આવ્યાં છે. એટલે કે પાલિકા દ્વારા ગણેશમૂર્તિનું વિસર્જન કરવા માટે ઊભાં કરવામાં આવેલાં સેન્ટરોમાં ભક્તો પોતાની ગણેશમૂર્તિ આપી શકશે. ફરતાં વિસર્જન સ્થળ પણ ઊભાં કરવામાં આવ્યાં છે. 73 ઠેકાણે નૈસર્ગિક વિસર્જન સ્થળે પણ પાલિકાએ પૂરતી વ્યસ્થા કરી છે. જેમાં જુદી જુદી ચોપાટીઓ સહિતનાં વિસર્જન સ્થળ પર 715 લાઇફગાર્ડ્સ નીમવામાં આવ્યા છે. ગણેશમૂર્તિના વિસર્જન માટે આવનારાં વાહનો ચોપાટી પર રેતીમાં ફસાઈ જાય નહીં એ માટે 587 સ્ટીલ પ્લૅટ બેસાડીને વાહનો માટે રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે.
વિસર્જન સ્થળ પર ફૂલ તથા હાર જેવા નિર્માલ્ય માટે 338 કલશ, 182 નિર્માલ્ય વાહનો, 185 કંટ્રોલ રૂમ, 144 પ્રાથમિક ઉપચાર કેન્દ્ર, 39 ઍમ્બ્યુલન્સ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો માટે જુદાં જુદાં સ્થળે 84 તાત્પૂરતાં શૌચાલય, 3,707 ફ્લડ લાઇટ, 116 સર્ચ લાઇટ, 48 વૉચિંગ ટાવર ઊભાં કરવામાં આવ્યાં છે. વિસર્જન સ્થળ પર 36 મોટર-બોટ અને 30 જર્મન તરાપાની સુવિધા ઊભી કરવામાં આવી છે.
કોરોનાને પગલે વિસર્જન માટે આવનારા તમામ ભક્તોને માસ્ક પહેરવાનો તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સલાહ પાલિકાએ આપી છે. તેમ જ વિસર્જન માટે 10થી વધુ લોકોને હાજર રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, પણ વેક્સિનના બંને ડોઝ લેનારી વ્યક્તિઓને જ વિસર્જનમાં ભાગ લેવાની અપીલ પણ પાલિકાએ કરી છે.