ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 જુલાઈ 2021
મંગળવાર
કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે, એ સાથે જ લૉકડાઉનના નિયમોમાં રાહત આપવામાં આવી છે. એથી લોકો સાર્વજનિક સ્થળોએ ભીડ વધારી રહ્યા હોવાનું જણાઈ આવ્યું છે, તહેવારો પણ નજીક આવી રહ્યા છે. એથી મુંબઈ મહાનગરપાલિકાએ ક્લીન-અપ માર્શલ્સની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે.
મુંબઈમાં ખાસ કરીને દાદર, બોરીવલી, અંધેરી, ક્રાફર્ડ માર્કેટ જેવા પરિસરમાં લોકો ધૂમ ખરીદી કરવા નીકળી રહ્યા છે. એને કારણે આ પરિસરમાં ભારે ગિરદી થઈ રહી છે. આ સમયે લોકો માસ્ક પહેરવાથી લઈને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. એમાં પાછું આવતા મહિનાથી તહેવારો ચાલુ થઈ જશે. એથી વધુ ભીડ થવાની શક્યતા છે. પાલિકાએ વધુ ભીડ થતી હોય એવાં સ્થળો પર માર્શલ્સની સંખ્યા વધારવાની છે. એ સિવાય રેલવે સ્ટેશન અને બસસ્ટૉપ પર વધુ ક્લીન-અપ માર્શલ્સ તહેનાત કરાશે.
હાલ મુંબઈમાં માસ્ક વગરના સૌથી વધુ K-વેસ્ટ વૉર્ડમાં એટલે કે અંધેરી(વેસ્ટ), જોગેશ્વરી અને વિલેપાર્લે(વેસ્ટ)માં વધુ લોકો પકડાય છે. એમાં પણ અંધેરી વિસ્તારમાં મોટા પાયા પર કૉમર્શિયલ એરિયા હોવાથી અહીં માસ્ક વગરના વધુ લોકો પકડાઈ રહ્યા છે.