ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,11 જાન્યુઆરી 2022
મંગળવાર.
મુંબઈમાં ગણીગાંઠી નદીઓ બચી છે, તે પણ નદી નહીં રહેતા ગંદા નાળામાં રૂપાતંરિત થઈ ચૂકી છે. મુંબઈ મહાનગરપાલિકાએ મીઠી નદી બાદ હવે પોઈસર નદીને પ્રદૂષણ મુક્ત કરવા અને તેને પુનઃજીવિત કરવા માટે 1,482 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. તે માટે કોન્ટ્રેક્ટરની નિમણૂક કરવાની છે.
મુંબઈમાં મીઠી, દહિસર, પોઈસર, ઓશિવરા તથા વાલભટ્ટ જેવી નદીઓ છે. તેમાંથી પાલિકાએ મીઠી નદીને પ્રદૂષણ મુક્ત અને તેની સફાઈ કરીને તેને ઊંડી અને પહોળી કરવાનું કામ લીધું છે. હવે પાલિકાએ પોઈસર નદીને પ્રદૂષણ મુક્ત કરવાની છે. તે માટે 15 વર્ષ માટે કોન્ટ્રેક્ટર નીમવામાં આવવાનો છે.
જોકે પાલિકાએ આ કામ માટે જે કોન્ટ્રેક્ટરને નીમવાનો નિર્ણય લીધો છે, તેને રાજસ્થાન અને પુણેમાં અત્યાર સુધી માંડ 35થી 37 કરોડ રૂપિયાના જ કામ કર્યા છે. ત્યારે પોઈસર નદીનો લગભગ 1,482 હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ તેને આપવા સામે આશ્ર્ચર્ય વ્યક્ત થઈ રહ્યું છે.
કોન્ટ્રેક્ટરને આટલી મોટી રકમ આપવામાં આવવાની છે, તેમાથી 119 કરોડ રૂપિયા તો વીજળીના ઉપયોગ કરવા પાછળ આ કંપની ખર્ચવાની છે. આ ખર્ચ જોકે પાલિકા ઉપાડવાની છે.
અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ પાલિકાએ પોઈસર નદીને પુનઃજીવીત કરવા પાછળ 540 કરોડ રૂપિયાના ખર્ચનો લક્ષ્યાંક રાખ્યો હતો. જોકે ટેન્ડરને પ્રતિસાદ મળ્યો નહોતો.ત્યારબાદ પણ રકમ વધાર્યા બાદ કોન્ટ્રેક્ટર આગળ આવ્યો નહોતો. છેવટે 934.15 કરોડ રૂપિયા પર ટેન્ડર જતા ચાર કોન્ટ્રેક્ટર આગળ આવ્યા હતા, જોકે તેમા પણ કોન્ટ્રેક્ટરને 119 કરોડ રૂપિયાનો વીજ ખર્ચ આપવાની માગણી કરતા પોઈસર નદીને ફરી જીવતી કરવા પાલિકા અધધધ કહેવાય એમ 1,482 કરોડ રૂપિયા ખર્ચવાની છે.