ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
મુંબઈના રસ્તાની સાથે જ ફૂટપાથની હાલત ચાલવા યોગ્ય નથી. મોટા ભાગની ફૂટપાથ પરના પેવર બ્લૉક ઊખડી ગયા હોય છે. અમુક જગ્યાએ ફૂટપાથ પર અતિક્રમણ થયેલું હોય છે, ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈની ફૂટપાથને ચાલવા યોગ્ય ચકાચક બનાવવાનો નિર્ણય લીધો છે. એમાં ખાસ કરીને ચેંબુર અને માટુંગા, ગોરેગામ, બાંદરામાં ફૂટપાથના કામ માટે મુંબઈ મનપા 51 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં લગભગ 1800 કિલોમીટરની ફૂટપાથ છે. ચાલુ વર્ષના બજેટમાં ફૂટપાથ, ટ્રાફિક જંક્શન અને ફ્લાયઓવરના બ્યુટિફિકેશન, બગીચા માટે કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ફૂટપાથના બ્યુટિફિકેશન માટે કન્સલ્ટન્ટ પણ નીમવામાં આવી રહ્યા છે. હવે પાલિકાએ વડાલાથી માટુંગા સુધીના એક કિલોમીટર બંને બાજુએ એમ કુલ બે કિલોમીટરનું સુશોભીકરણ કરવાની છે, તો ચેંબુરમાં પણ બંને તરફથી મળીને કુલ 3 કિલોમીટરની ફૂટપાથનું સુશોભીકરણ કરવાની છે. એ માટે 32 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે, તો ગોરેગામ અને બાંદરામાં પણ ફૂટપાથ માટે 19 કરોડ 70 લાખનો ખર્ચ કરવાની છે.