ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે, પરંતુ મૃત્યુ ઘટાડવામાં પાલિકા પ્રશાસનને હજી સફળતા મળી નથી. છેલ્લા થોડા દિવસથી મૃત્યુઆંક ચારથી સાતની વચ્ચે જ નોંધાઈ રહ્યો છે. શનિવારે દિવસમાં 365 નવા દર્દી સામે રવિવારે દિવસના 354 દર્દી નોંધાયા હતા, તો સાતનાં મોત થયાં હતાં. પાલિકાએ કોરોનાનું ટેસ્ટિંગ વધારીને દિવસના 50,000 સુધીનો લક્ષ્યાંક રાખ્યો છે. એની સામે રવિવારે માત્ર 30,000 ટેસ્ટિંગ થયાં હતાં. એથી દર્દીની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ મૃત્યુઆંક ઘટતો ન હોવાથી ચિંતા વધી ગઈ છે. ગયા અઠવાડિયામાં બુધવાર 8 સપ્ટેમ્બરનાં ચાર, ગુરુવારનાં 6, શુક્રવારનાં 5, શનિવારે 4 અને રવિવાર 12 સપ્ટેમ્બરનાં 7 મૃત્યુ થયાં હતાં.
ગણેશવિસર્જન સાથે કોરોનાના નિયમોનું પણ વિસર્જન થયું, આવા હાલ થયા વિસર્જનસ્થળ પર; જાણો વિગત
શુક્રવારે 49,929 ટેસ્ટિંગ સામે 441 દર્દી મળ્યા હતા. શનિવારે 35,851 ટેસ્ટિંગ સામે 365 દર્દી નોંધાયા હતા. રવિવારે 29,849 ટેસ્ટિંગ સામે 354 નવા દર્દી મળી આવ્યા હતા. રવિવારે દર્દી 188 સાજા થઈને ઘરે ગયા હતા, પરંતુ દિવસનાં 7 મૃત્યુ થયાં હતાં. એમાંથી 5 દર્દી અન્ય ગંભીર બીમારી પણ ધરાવતા હતા. મૃતકોમાં 4 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. એક મૃતક ચાલીસની અંદર તો ચાર મૃતક 60ની ઉપરના હતા. બાકીના બે દર્દી 40થી 60ની ઉંમરની અંદરના હતા. દર્દી સારો થવાનો દર પણ 97 ટકા છે, તો દર્દી બમણા થવાનો સમયગાળો હવે 1,210 દિવસનો થઈ ગયો છે. ઝૂંપડપટ્ટી અને ચાલીઓ કોરોનામુક્ત થઈ ગઈ છે. રવિવારે સીલ ઇમારતની સંખ્યા 40 હતી.