ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર
મુંબઈમાં સ્કૂલો ક્યારે ખોલવી એ બાબતે હજી સુધી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલ નિર્ણય લઈ શક્યા નથી. એથી મુંબઈના વિદ્યાર્થીઓ સહિત વાલીઓના જીવ ઉપર-નીચે થઈ ગયા છે, તો શૈક્ષણિક કર્મચારીઓ પણ સ્કૂલ ક્યારે ખૂલે છે એની રાહ જોઈને બેઠા છે.
ગ્રામીણ વિસ્તારમાં 5થી 12 ધોરણ તો શહેરમાં 8થી 12માની સ્કૂલ 4 ઑક્ટોબરથી ચાલુ કરવાની રાજ્યના શિક્ષણ વિભાગે મંજૂરી આપી છે. સ્કૂલ ચાલુ કરવા માટે સ્થાનિક સ્તરે પરિસ્થિતિને અનુરૂપ કમિશનરનો નિર્ણય અંતિમ હશે.
મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારની સ્કૂલ ચાલુ કરવા માટે પાલિકાના શિક્ષણ વિભાગે કમિશનરને પ્રસ્તાવ મોકલી દીધો છે. બહુ જલદી એના પર કમિશનર આદેશ બહાર પાડે એવી શક્યતા છે. પાલિકાએ મુંબઈની સ્કૂલ ફરી ચાલુ કરવા બાબતે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ વિદ્યાર્થીઓ ફરી સ્કૂલમાં જવા ઉત્સુક છે. કોરોનાનો હાઉ હજી પણ હોવાથી વાલીઓની ચિંતા વધી ગઈ છે.
મુંબઈ મહાનગરપાલિકાની સ્કૂલના લગભગ 73 ટકા શિક્ષકોનું વેક્સિનેશન થઈ ગયું છે. સ્કૂલ ચાલુ કરવાની મંજૂરી મળી તો 8થી 10 ધોરણ એટલે કે માધ્યમિક શાળાના શિક્ષકોનું 100 ટકા વેક્સિનેશન થઈ જશે એવો દાવો પાલિકાના શિક્ષણ અધિકારી રાજુ તડવીએ કર્યો હતો.
મુંબઈવાસીઓને મતદારયાદીમાં નામ નોંધાવવા અને સુધારવાની તક ક્યારે? જાણો વિગત
રાજ્ય સરકારના નિયમ મુજબ એક બેન્ચ પર એક વિદ્યાર્થી, સ્કૂલના એન્ટરન્સ પર સ્ક્રીનિંગ, હાથ ધોવા માટે પાણી જેવા નિયમો સાથે સ્કૂલ ચાલુ કરવામાં આવવાની છે. વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે માસ્ક પહેરવો તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું પણ આવશ્યક રહેશે.