ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૬ જૂન ૨૦૨૧
બુધવાર
પ્રાઇવેટ સ્કૂલોની ફી અંગેની દાદાગીરીથી લોકો કંટાળી ગયા છે એવામાં કાંદિવલી (પૂર્વ)ના ભાજપના ધારાસભ્ય અતુલ ભટખલકરે આ મુદ્દે હાઈ કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે. તેમણે પ્રાઇવેટ સ્કૂલોની ફીના નિયમન બાબતે બૉમ્બે હાઈકોર્ટમાં જનહિતની અરજી દાખલ કરી છે. આ અરજીની સુનાવણી કરતાં ન્યાયાધીશ એસ.પી. દેશમુખ અને કુલકર્ણીની ડિવિઝન બેંચે મંગળવારે રાજ્ય સરકાર અને ફી નિયમનકારી ઑથૉરિટી પાસેથી જવાબ માગ્યો હતો. અગાઉના આદેશમાં હપ્તામાં ફી ચુકવણી કરવા અને ફીની ચુકવણી બાકી હોય તો પણ કોઈપણ વિદ્યાર્થીઓને ઑનલાઇન અથવા ઑફલાઇન વર્ગોમાંથી કાઢી શકાશે નહિ.
આ અરજીમાં માગ કરવામાં આવી છે કે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 અને 2021-22 દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સુવિધાઓના બદલામાં મહામારીને કારણે શિક્ષણ અધિકાર અધિનિયમ (RTE) હેઠળ દાખલ થયેલા વિદ્યાર્થીઓની ફીમાં 50 ટકા ઘટાડો કરવો જોઈએ. અરજીકર્તા દ્વારા કોર્ટને જણાવાયું હતું કે શહેરના પશ્ચિમ પરાંમાં ઘણાં માતા-પિતાએ તેમનાં બાળકોની શાળાઓ અંગે ફરિયાદ કરી હતી. PIL દ્વારા દલીલ કરવામાં આવી છે કે શાળાઓ વર્ચ્યુઅલ રીતે કાર્યરત હોવાથી, તેઓને બીજો કોઈ ઓવરહેડ ખર્ચ થતો નથી, જે વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવતી ફી હેઠળ આવરી લેવામાં આવે છે અને એથી, સંસ્થાઓને સંપૂર્ણ ફી એકત્રિત કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
ઉલ્લેખનીય છે કે અરજીમાં એવી પણ માગ કરવામાં આવી છે કે શૈક્ષણિક વર્ષ 2020-21 અને 2021-22 માટે ફીની બાકી રકમ ન ચૂકવવાના કારણે શાળાઓએ 10 અથવા 12ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓનું નામ અથવા કોઈપણ શિષ્યવૃત્તિ અટકાવવી જોઈએ નહીં.
જોકેઆ મામલે સર્વોચ્ચ ન્યાયાલયે પણ પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે પ્રાઇવેટ શાળાઓએ ફીમાં ૧૫%નો કાપ મૂકવો જોઈએ. ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી ફી ભરવામાં અસક્ષમ હોય તો પણ તેને ઑનલાઇન લેક્ચરમાંથી બહાર કાઢી શકાશે નહિ.