News Continuous Bureau | Mumbai
આખરે મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રોપર્ટી ટેક્સમાં માફી આપવાના બિલ પર બહુમતીએ મંજૂરી મળતા મુંબઈગરાને રાહત મળી છે. પહેલી જાન્યુઆરી ૨૦૨૨થી પ્રોપર્ટી ટેક્સમાં માફી અમલમાં આવશે. વિધાનસભામાં આ બિલ મંજૂર થતા મુંબઈના ૧૬ લાખથી વધુ લોકોને તેનો ફાયદો થશે.
મુંબઈમાં ૫૦૦ ચોરસફૂટ અથવા તેનાથી ઓછા ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ) ધરાવતા રહેણાંક વિસ્તારમાં સંપૂર્ણપણે પ્રોપર્ટી ટેક્સ માફ કરવાની મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કર્યા બાદ વિધિ મંડળમાં તેને બહુમતીએ મંજૂરી મળી હતી.
પાંચ વર્ષ પહેલા મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા શિવસેનાએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાની જાહેરાત કરી હતી, તે હવે વિધાનસભામાં મંજૂરી મળ્યા બાદ ખરા અર્થમાં પાંચ વર્ષે તે અમલમા મુકાશે તે મુજબ મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૬.૪૫ ચોરસ મીટર એટલે કે ૫૦૦ ચોરસ ફૂટ અથવા તેના કરતા ઓછા કારપેટ એફએસઆઈ ધરાવતા રહેણાંક બાંધકામને હવેથી કોઈ પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે નહીં.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરા માથે પાણી કાપનું સંકટ.. શહેરના આ વિસ્તારોમાં બે દિવસ પાણી પુરવઠો રહેશે બંધ. જાણો વિગતે
આ બિલ મંજૂર થવાથી મુંબઈના લાખો નાગરિકોને આર્થિક ફાયદો થશે પરંતુ પાલિકાની તિજોરીને ૪૦૦ કરોડનો ફટકો પડવાનો છે. જકાત બંધ થયા બાદ પાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે. દર વર્ષે લગભગ પાંચ હજાર કરોડ રૂપિયાની આવક પ્રોપર્ટી ટેક્સ મારફત પાલિકાને થાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે પ્રોપર્ટી ટેક્સના બિલમાં સામાન્ય ટેક્સની સાથે જ અન્ય દસ કર પણ હોય છે. અગાઉ ફક્ત સામાન્ય ટેક્સ માફ કરવાની અને બાકીના તમામ કર ભરવા પડશે એવું જાહેર કરવામાં આવ્યું હતું, જોકે તેને લઈને શિવસેનાને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. હવે જોકે વિધાનસભામાં સંપૂર્ણ કરમાફીનો નિર્ણય લેવામાં આવ્યો છે.