ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે ઓસરી રહી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં વ્યવહાર ધીરે-ધીરે સામાન્ય થઈ રહ્યા છે. જોકે દુકાનો, ખાનગી કચેરીઓ અને અન્ય સુવિધાઓ ખોલવામાં આવી છે, પરંતુ સામાન્ય નાગરિકો માટે લોકલ ટ્રેનના દરવાજા ક્યારે ખૂલશે તે એક પ્રશ્ન બની રહ્યો છે, ત્યારે આજે બીજેપીએ આ મામલે સરકાર પાસે ફરી એક વાર માગ કરી છે કે જેમણે રસીના બંને ડોઝ લીધા છે તેઓને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવે.
વિધાન પરિષદના વિપક્ષી નેતા પ્રવીણ દરેકરે ચેતવણીના સૂરમાં કહ્યું છે કે જેમણે બે ડોઝ પૂરા કર્યા છે તેમને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી નહીં આપવામાં આવે તો દરેક સ્ટેશન પર આંદોલન કરવામાં આવશે. આજે લોકો ટૅક્સી અથવા ખાનગી કાર દ્વારા લાંબા અંતરની મુસાફરી કરે છે, જેમાં તેઓ ઘણા પૈસા ખર્ચ કરે છે. હવે પાણી માથાની ઉપર જઈ રહ્યું છે. જો એક અઠવાડિયામાં કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો રેલવે સ્ટેશન પર આંદોલન કરવામાં આવશે.
કોરોનાને પગલે લાદવામાં આવેલા પ્રતિબંધો વધુ હળવા થાય એવા સંકેત છે. ટાસ્ક ફોર્સે રાજ્યમાં દર્દીઓની ઘટતી સંખ્યા, દુકાનો અને હૉટેલો પરના પ્રતિબંધો અંગે મુખ્ય પ્રધાનને વિગતવાર અહેવાલ મોકલ્યો છે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે અને આગામી મહિનેથી એનો અમલ કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે. પરંતુ પાલકપ્રધાન અસલમ શેખનું કહેવું છે કે જ્યાં સુધી 70 ટકા રસીકરણ ન થાય ત્યાં સુધી લોકલ ટ્રેન શરૂ કરવાની તેમની કોઈ યોજના નથી