ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
મહારાષ્ટ્રમાં દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે CET પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે જે વેબસાઇટ જાહેર કરી હતી એ વેબસાઇટ પહેલા જ દિવસે બંધ પડી ગઈ હતી. CET પરીક્ષાનું રજિસ્ટ્રેશન ૨૦ જુલાઈ, ૨૦૨૧ના રોજ શરૂ થયું હતું, પરંતુ પહેલા જ દિવસે હેવી લૉડને કારણે સર્વર ડાઉન થઈ જતાં વેબસાઇટ ખોડંગાઈ હતી, જેને કારણે વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જોકેબીજી દિવસે આ વેબસાઇટ શરૂ થઈ હતી અને કેટલાક વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કર્યું હતું, પણ બાદમાં ફરી આ વેબસાઇટ બંધ કરાઈ હતી. વારંવાર સર્જાતી તકનિકી ખામીઓને કારણે હવે વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં પડી ગયા છે. દસમાના પરિણામ મુજબ CETના રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટનું કામ આઉટસોર્સ કરાયું છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડે દસમા ધોરણની પરીક્ષા રદ કરી હતી. વિદ્યાર્થીઓને નવમા ધોરણના ગુણ અને ઇન્ટરનલ એસેસમેન્ટને આધારે પરિણામ આપ્યું હતું. પરિણામ સાથે અસંતુષ્ટ વિદ્યાર્થીઓના અગિયારમા ધોરણમાં પ્રવેશ માટે સરકારે CETનો વિકલ્પ આપ્યો છે.