ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઓગસ્ટ, 2021
મંગળવાર.
મુંબઈમાં લોકલ ટ્રેનમાં 15 ઓગસ્ટથી કોવિડ 19ની વેક્સિનનો બંને ડોઝ લીધેલા નાગરિકોને પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે વેક્સિનનો બંને ડોઝ લીધેલા વ્યક્તિને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે ક્યુઆર કોડ લેવાનો આવશ્યક રહેશે. આ ક્યુઆર કોડ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મેળવી શકાશે. ઓનલાન માટે ઍપ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ઍપમાં રજિસ્ટ્રેશન નહીં કરી શકનારા લોકો ઓફલાઈન પદ્ધતિએ ક્યુઆર કોડ માટે આઈકાર્ડ મેળવી શકશે. આ ઓફલાઈન આઈકાર્ડ મુંબઈ મહાનગરપાલિકાની ૨૪ વોર્ડ ઑફિસ સહિત ૬૫ રેલવે સ્ટેશન પરથી મેળવી શકાશે. આ આઈકાર્ડને આધારે જ ક્યુઆર કોર્ડ મળ્યા બાદ રેલવે પાસ મેળવી શકશે એવું પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું. આગામી દિવસમાં ઍપ તૈયાર થઈ જશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. ઍપ પર એક વખત ક્યુઆર કોડ મળી જશે ત્યારબાદ ટિકિટ અથવા પાસ મળી શકશે.
અહીં ઉલ્લેખનીય છે કે દરરોજ ૮૦ લાખ પ્રવાસીઓ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે. મુંબઈમાં અત્યાર સુધી ૧૯ લાખ નાગરિકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. તો થાણે, વસઈ-વિરાર, કલ્યાણ-ડોંબિવલી, નવી મુંબઈ, અંબરનાથ, મિરા-ભાયંદરના ૧૩ લાખ પ્રવાસી છે. આ તમામ લોકોને ક્યુઆર કોડ મેળવવા માટે પાલિકાની વોર્ડ ઓફિસ સહિત ૬૫ રેલવે સ્ટેશન પર આઈકાર્ડ મળી શકશે.