ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જુલાઈ ૨૦૨૧
સોમવાર
ઘાટકોપરના એક પોલીસ સ્ટેશનના કૉન્સ્ટેબલે દંડ-વસૂલીના ૨૧ લાખ રૂપિયા પોતાની સારવાર પાછળ વાપર્યાનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે કૉન્સ્ટેબલ આઠ મહિના પહેલાં કૅન્સરને કારણે મૃત્યુ પામ્યો છે. ઘાટકોપરના ચિરાગનગર પોલીસ સ્ટેશનમાંથી આ ઘટના સામે આવી છે.
પોલીસ સ્ટેશનમાં કોર્ટ-કારકુન (પોલીસ સ્ટેશનના કોર્ટના તમામ કામ કરનારી વ્યક્તિ) તરીકે ફરજ બજાવનાર કૉન્સ્ટેબલે પોતાના કૅન્સરના ઇલાજ માટે પોલીસ સ્ટેશનમાં દંડપેટે જમા થયેલા ૨૧ લાખ રૂપિયા વાપરી નાખ્યા હતા. જોકેઆ મામલો હવે પ્રકાશમાં આવતાં પોલીસે હાલ આ કેસમાં મૃતક કૉન્સ્ટેબલ સામે ગુનો દાખલ કર્યો છે. ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવ, માસ્ક વગરના ફેરિયાઓ સહિતના લોકો પાસેથી વસૂલ કરવામાં આવતો દંડ પોલીસ સ્ટેશનમાં આવ્યા બાદ એક મહિનાની અંદર આ રકમ એને જમા કરાવવાની હોય છે, પરંતુ દળવીએ ૨૦૧૮ના ઑક્ટોબરથી કોર્ટમાં પૈસા જમા કરવાનું બંધ કરી દીધું હતું.
શિક્ષકોની આ ભૂલને લીધે મહારાષ્ટ્રમાં SSC બોર્ડના રિઝલ્ટ લંબાઈ જશે; જાણો વિગત
મે ૨૦૧૯માં તેને કૅન્સર થયાનું નિદાન થયું હતું. ગયા વર્ષના નવેમ્બરમાં તેનું મૃત્યુ થયું હતું. તેની જગ્યાએ આવેલા નવા અધિકારીએ હિસાબ કરતાં મામલો સામે આવ્યો હતો કે તેણે કુલ ૨૮ લાખમાંથી માત્ર સાત લાખ રૂપિયા જ કોર્ટમાં જમા કરાવ્યા હતા. આ કેસમાં કોઈ બીજું પણ સામેલ છે કે કેમ એની તપાસ પણ હવે પોલીસ કરવા જઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસે તેની વિરુદ્ધ કલમ ૪૨૦ અને ૪૦૯ હેઠળ ગુનો નોંધ્યો છે.