ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જુલાઈ, 2021
શનિવાર
મુંબઈમાં 26 જુલાઈ, 2005ની સાલમાં આવેલા પૂર માટે મીઠી નદી જવાબદાર હતી. આ દુર્ઘટના બાદ મુંબઈ મહાનગરપાલિકાએ મીઠી નદીની સફાઈ પાછળ છેલ્લાં 16 વર્ષમાં 6,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચી નાખ્યા છે, પરંતુ આટલાં વર્ષોમાં કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા બાદ પણ પરિસ્થતિ જૈસે કી વૈસે જેવી છે.
અત્યાર સુધી મીઠી નદીની સફાઈ પાછળ, એને પહોળી કરવા માટે તેમ જ તેની ઊંડાઈ વધારવાનું કામ પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. એ સિવાય એની આજુબાજુ રહેલાં અતિક્રમણોને પણ હટાવવામાં આવ્યાં છે. નદીને પહોળી કરવાની સાથે જ તેના બંને તરફ સેફ્ટી વૉલ ઊભી કરવામાં આવી છે. છતાં વારંવાર કુર્લામાં મીઠી નદી પાસે ઝૂંપડાંઓ ઊભાં થઈ રહ્યાં છે. એમાં રોજ સેંકડો ટન કચરો ઠલવાય છે, તો સમુદ્રમાં જ્યાં મીઠી નદીનું પાણી ઠલવાય છે, ત્યાં એનો વહેણ પણ સાંકડો થઈ ગયો છે. એને કારણે પાણીનો ઝડપથી નિકાલ થતો નથી. આવા સેંકડો કારણથી મીઠી નદીની પાછળ અત્યાર સુધીમાં ખર્ચેલા કરોડો રૂપિયા પાણીમાં જતા રહ્યા છે.
પાલિકાના જણાવ્યા મુજબ મીઠી નદીની 16.2 કિલોમીટર લંબાઈ અને 7 ફૂટ ઊંડી કરવા પાછળ અત્યાર સુધી લગભગ 330 કરોડ રૂપિયા, એને પહોળી કરવા પાછળ 173 કરોડ રૂપિયા, સેફ્ટી વૉલ પાછળ 569 રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા છે. હાલ MMRDA અને પાલિકા દ્વારા મીઠી નદી પાસે બાકી બચેલાં ઝૂંપડાંઓને હટાવીને તેને પુનર્વસન કરવાનું કામ ચાલી રહ્યુ છે. એની પાછળ લગભગ 1750 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. એ સિવાય અનેક કામો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
મીરા-ભાયંદરના શિવસેનાના આ વિધાનસભ્યના ભાઈની ખંડણી માગવાના ગુના હેઠળ પોલીસે કરી ધરપકડ; જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનામાં પડેલા મુશળધાર વરસાદમાં મીઠી નદીને કારણે મુંબઈ અનેક વખત જળાબંબાકાર થયું છે. ભારે વરસાદ દરમિયાન દરિયામાં ઓટ હોવા છતાં બે અઠવાડિયાં પહેલાં મુંબઈમાં મુશળધાર વરસાદને સમયે મીઠી નદીમાં પૂર આવ્યાં હતાં. એને કારણે એની આજુબાજુના વિસ્તાર પાણીમાં ડૂબી ગયા હતા. મધ્ય રેલવેના સાયન-કુર્લા વચ્ચે પાટા પર પાણી ભરાઈ જતાં રેલવે સેવા પણ ખોરવાઈ ગઈ હતી.