ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જૂન 2021
શનિવાર
છેલ્લાં થોડાં વર્ષોમાં વધી ગયેલા વાયુપ્રદૂષણને કારણે શહેરોમાં કોરોના ફેલાવાનું જોખમ વધી ગયું હોવાનું ચોંકાવનારું તારણ એક અભ્યાસમાં આવ્યું છે. જ્યાં પ્રદૂષણ વધારે ત્યાં કોરોના વધુ ફેલાય છે. પ્રદૂષણ અને કોરોના સંસર્ગ વચ્ચે રહેલો સંબંધ જાણી લેવા માટે કરવામાં આવેલા અભ્યાસમાં આ બાબત પ્રકાશમાં આવી છે. પ્રદૂષણને કારણે સૌથી વધુ જોખમ મુંબઈ અને પુણેને છે.
હવામાં વિવિધ પ્રકારના સૂક્ષ્મ જીવ હોય છે. ધૂળ, પરાગકણ વગેરેનું મિશ્રણ વધુ જોખમી હોય છે. એમાંથી 2.5 માયક્રોનથી ઓછા વ્યાસનો કણ (PM 2.5-પાર્ટિક્યુલેટ મેટર) હવામાં ઘણાં અઠવાડિયાં સુધી રહે છે. જે આરોગ્ય માટે વધુ જોખમી બની શકે છે. આ કણોને ચીપકીને કોરોના વિષાણુ ફેંફસાંમાં પ્રવેશ કરી શકે છે એવું આ અભ્યાસમાં બહાર આવ્યું છે.
આ અભ્યાસ માટે માર્ચથી નવેમ્બર 2020 સુધીના સમયગાળામા કોરોનાગ્રસ્તોની સંખ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એમાં આ બાબત જણાઈ આવી હતી. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત રાજ્યમાં PM 2.5ની ઘનતા વધુ હતી. એથી આ રાજ્યોમાં કોરોનાના કેસ વધારે હતા. મુખ્યત્વે મુંબઈ, પુણે, દિલ્હી, અમદાવાદ જેવાં શહેરોનો એમાં સમાવેશ થાય છે. સંશોધનમાં ભારતનાં 16 શહેરો કે જ્યાં સૌથી વધુ પ્રદૂષિત હવા છે, ત્યાં અભ્યાસ કરવામાં આવ્યો હતો. એમા મુંબઈ અને પુણે અનુક્રમે ત્રીજા અને ચોથા નંબરે છે.
અહીં ઉલ્લેખનીય છે કે પાંચ નવેમ્બર 2020 સુધી મહારાષ્ટ્રમાં 17.19 લાખ કોરોનાના દર્દી નોંધાયા હતા. આ સંખ્યા ભારતમાં વધુ હતી, તો મહારાષ્ટ્ર PM 2.5 સાથે ભારતમાં બીજા ક્રમાંકે રહ્યું. ઉત્તર પ્રદેશ પહેલા નંબરે છે.
કિરીટ સોમૈયાના રડાર પર હવે મિલિન્દ નાર્વેકર, લગાવ્યો આ ગંભીર આરોપ, શિવસેનામાં ફફડાટ; જાણો વધુ વિગત
આ અભ્યાસ ભુવનેશ્વરની એક યુનિવર્સિટીના પ્રોફસર, પુણેની IITMના પ્રાધ્યાપક, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી અને IIT ભુવનેશ્વરના પ્રાધ્યાપક દ્વારા કરવામાં આવ્યો હતો.