News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય એજેન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે મુંબઈના ઝવેરી બજારમાં દરોડા પાડીને ખાનગી કંપનીના લોકરમાંથી 91.5 કિલો સોનું અને 340 કિલો ચાંદી જપ્ત કરી હતી. જપ્ત કરાયેલા માલની કુલ કિંમત અધધધ કહેવાય એમ 47.76 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, EDની ટીમ ગયા અઠવાડિયાથી ખાનગી કંપની સામે કથિત બેંક લોન છેતરપિંડી કેસમાં મની લોન્ડરિંગના એંગલથી તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન મળેલા માહિતીના આધારે, EDને બુધવારે સર્ચ ઓપરેશન દરમિયાન મેસર્સ રક્ષા બુલિયનના પરિસરમાં એક ખાનગી લોકરની ચાવીઓ મળી હતી. બાદમાં આ લોકરોની તપાસમાં 47 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું સોનું અને ચાંદી જપ્ત કર્યું હતું.
સર્ચ દરમિયાન EDને જાણવા મળ્યું કે લોકર્સ યોગ્ય નિયમોનું પાલન કર્યા વિના ચલાવવામાં આવી રહ્યા હતા. KYCનું કોઈ પાલન કરવામાં આવ્યું ન હતું. લોકર પરિસરમાં સીસીટીવી બેસાડવામાં આવ્યા નહોતા. તેમ જ કોઈ રજિસ્ટર પણ રાખવામાં આવ્યું નહોતું. જ્યારે EDએ લોકરોની તપાસ કરી ત્યારે તેમને 761 લોકર મળ્યા, જેમાંથી ત્રણ મેસર્સ રક્ષા બુલિયનના હતા. લોકરની તપાસ કરતા બે લોકરમાં 91.5 કિલો સોનું અને 152 કિલો ચાંદી મળી આવી હતી.
આ ઉપરાંત, મેસર્સ રક્ષા બુલિયનના પરિસરમાંથી વધારાની 188 કિલો ચાંદી પણ મળી આવી છે. આ તમામ સોનું અને ચાંદી ED દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. EDએ મેસર્સ રક્ષા બુલિયન અને મેસર્સ ક્લાસિક માર્બલ્સના ચાર પરિસરમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું.
અગાઉ, ED એ PMLA 2002 ની જોગવાઈઓ હેઠળ 8 માર્ચ, 2018 ના રોજ મેસર્સ પારેખ એલ્યુમિનેક્સ લિમિટેડ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. કંપની પર બેંકો સાથે છેતરપીંડી કરવાનો અને 2,296.58 કરોડ રૂપિયાની લોન લેવાનો આરોપ છે.
તપાસમાં બહાર આવ્યું છે કે લોન દ્વારા મેળવેલા નાણાં વિવિધ કંપનીઓ મારફતે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. અસુરક્ષિત લોન અને રોકાણોના સંદર્ભમાં વિવિધ ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવે છે. 2019 માં, EDની ટીમે આ જ કંપની પર દરોડા પાડ્યા હતા અને એક વખત 46.97 કરોડ રૂપિયા અને બીજી વખત 158.26 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. EDએ પાડેલા દરોડાની કાર્યવાહી બુધવારે પૂરી થઈ હતી.