ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
મુંબઈ અને મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ધૂમધામથી ઊજવાય છે. આ તહેવાર દરમિયાન ગણપતિની મૂર્તિ સહિત સજાવટની સામગ્રી અને ફૂલોની જોરદાર માગણી રહે છે. ફૂલ વેચનારાઓ આ ૧૦ દિવસમાં આખા વર્ષની કમાણી કરી લેતા હોય છે. જોકે આ સળંગ બીજું વર્ષ છે કે ગણેશોત્સવ પર કોરોનાનો પડછાયો છે. એમાં વળી રાજ્યના વિવિધ ઠેકાણે રહેલા સતત વરસાદને લીધે આ વર્ષે મુંબઈના ફૂલ વિક્રેતાઓની કમાણી પર પાણી ફરી વળ્યું છે.
ઉત્સવના દસ દિવસ દરમિયાન મુંબઈના હોલસેલ બજારમાં રોજ પચાસ હજાર કિલોથી વધુ ફૂલો વેચાય છે, પણ આ વર્ષે હાર વિક્રેતાઓ અને ગણેશ મંડળો પાસેથી ઘટેલી માગણી તેમ જ બંધ મંદિરોને લીધે ૫૦ ટકા નુકસાન થશે, એવું મુંબઈના ફૂલ બજારના વ્યાપારીઓનું કહેવું છે.
વેપારી સંગઠન 'કેટ'નો વરતારો : સરકારના આ પગલાંને કારણે મોંઘવારીમાં થશે ભડાકો; જાણો વિગત
ગણેશોત્સવ પરના પ્રતિબંધો અને વરસાદને કારણે ફૂલ બજારો આર્થિક સંકટમાં મુકાયાં છે. રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ સતત શરૂ હોવાને લીધે ભીંજાયેલાં ફૂલો બજારમાં આવે છે અને મુંબઈના વાતાવરણમાં પહોંચતાં જ ફૂલોના બગડવાની પ્રક્રિયા ઝડપથી થાય છે. એથી ૩૦ ટકા માલ વ્યાપારીઓને રોજ ફેંકી દેવો પડે છે અને ભીંજાયેલાં ફૂલોને સસ્તા ભાવે વેચી દેવાં પડે છે.
 
			         
			         
                                                        