ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 નવેમ્બર 2021
સોમવાર.
કાંદીવલી(વેસ્ટ)ના મથુરાદાસ રોડ પર આવેલી હંસા હેરિટેજમાં શનિવારે બે ગુજરાતી મહિલાઓનો ભોગ આગે લીધો હતો. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન બિલ્ડિંગની ઈન્ટરર્નલ ફાયર ફાઈટિંગ સિસ્ટમ જ કામ કરતી ન હોવાથી ચોંકાવાનારી વિગત બહાર આવી છે. હાઈરાઈઝ ઈમારતો ફાયરસેફટી સિસ્ટમ બેસાડવી ફરજિયાત છે. તેમ જ વખતોવખત બિલ્ડિંગમાં રહેલી આ ફાયર સેફટી સિસ્ટમની તપાસ કરવી પણ આવશ્યક છે. ત્યારે હંસા હેરિટેજની ફાયર સેફટી સિસ્ટમ ખરા સમયે કામ નહીં કરતા આગ બુઝાવવાની કામગીરીમાં અડચણો આવી હતી. આગ લાગ્યા બાદ ધુમાડો શોધીને પાણીનો ફુવારો છોડનારા સ્પ્રિંકર્સ ચાલ્યા જ નહોતા. તેથી તેમાથી પાણી બહાર આવ્યું જ નહોતું. એટલું જ નહીં પણ આગ લાગ્યા બાદ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. તેને કારણે ફાયરબ્રિગેડને આગ બુઝાવવા માટે પાણી પણ મળ્યું નહોતું. ફાયરબ્રિગેડના ઓફિસરના કહેવા મુજબ ઈલેક્ટ્રિસિટી બંધ થયા બાદ પાણી પણ બંધ થઈ ગયું હતું. બિલ્ડિંગમાં જે ઓલ્ટનેટ સિસ્ટમ હોવી જોઈતી હતી, તે પણ નહોતી.
શનિવારે ભાઈબીજના દિવસે રાતના 8.30 વાગે ગ્રાઉન્ડ પ્લસ 15માળાની આ બિલ્ડિંગના 14માળે દીપક પારેખના ફલેટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગમાં 90 વર્ષના રંજન પારેખ અને તેમના 64 વર્ષના વહુ નીતા પારેખના મૃત્યુ થયા હતા. 14માળેથી આગ ફેલાઈને ઉપરના માળે રહેલા ફલેટમાં પણ ફેલાઈ ગઈ હતી. ફાયરબ્રિગેડે આગની ચપેટમાંથી પાંચ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢયા હતા. પંરતુ રંજન પારેખ અને નીતા પારેખ 100 ટકા દાઝી ગયા હોવાથી તેમને બચાવી શકાયા નહોતા.
હંસા હેરીટેજમાં આગ લાગવા માટે અગાઉ દીપક પારેખના ઘરે દીવાને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ તેમણે પોલીસને જણાવ્યા મુજબ ઘરમાં મહેમાન હોવાથી તેઓ બેઠા હતા એ દરમિયાન એલાર્મ સંભળાતા તેઓ તુરંત દોડી આવ્યા હતા. ઘરમાં આગ લાગી નહોતી પરંતુ તેઓએ દરવાજો ખોલતા ત્યાં દરવાજામાં આગ લાગેલી જણાઈ હતી. દરવાજાના ઉપરની તરફથી આગની જવાળા અને ધુમાડો ઘરમાં ધુસી આવ્યો હતો અને તેમના ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી. એ દરમિયાન ઘરમાં તેમની દીકરી માતા રંજનબેન અને પત્ની નીતા પારેખ હતા. આગ લાગતા જ મદદ માટે બૂમો પાડી હતી. એ દરમિયાન રંજનબહેન અને પેરલિસિસની અસર ધરાવતા નીતાબહેન કયા રૂમમાં હતી તેની જાણ થઈ શકી નહોતી.
હંસા હેરિટેજના રહેવાસીઓના કહેવા મુજબ તેમની બિલ્ડિંગમાં દરેક ફલોર પર ફાયર એકિસ્ટિંગ્વિશર છે. તેથી તેનાથી આગ બુઝાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ 14માળા પર દરવાજાની બહાર લાગેલી આગે વિકરાળ રૂપ લીધું હોવાથી તેનાથી કાબુમાં લાવી શકાઈ નહોતી. ફાયરિબ્રગેડે આવીને પારેખ પરિવારના સભ્યો અને તેમના ઉપરના માળે રહેતી મહિલાને બચાવી લીધી હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયુ નથી. પારેખ પરિવારના કહેવા મુજબ ઘરના બહાર દરવાજા પર આગ લાગી હતી. જોકે દીવા આગ લાગવાના પહેલા જબુઝાઈ ગયા હતા. તેમ જ દરવાજા પર રહેલું તોરણ પણ સાદુ હતું એટલે તેમા ઈલેક્ટ્રિક સ્પાર્ક થઈને આગ લાગવાની શકયતા નથી. છતાં પોલીસ અને ફાયરબ્રિગેડ પૂરી ઘટનાની તપાસ કરી રહી છે.
મુંબઈવાસીઓ રહ્યા બેદરકાર: સુપ્રીમ કોર્ટની મનાઈ હોવા છતાં જોરદાર ફટાકડા ફૂટયા
તો હંસા હેરિટેજની ફાયર સેફટી સિસ્ટમ બરોબર કામ કરતી ન હોવાથું પ્રાથિમક તપાસમાં જણાયું છે. તેથી તેની પણ વિગતવાર તપાસ કરાશે. 2015માં બનેલી આ બિલ્ડિંગની દોષરહિત ફાયર સેફટી સિસ્ટમને લઈને બિલ્ડર જવાબદાર છે કે નહીં તે ફાયરબ્રિગેડના રિપોર્ટ બહાર બાદ જ જણાશે.