ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઑગસ્ટ, 2021
મંગળવાર
પર્યાવરણનું જતન કરવા માટે પેટ્રોલ-ડીઝલને બદલે ઇલેક્ટ્રિક વાહનો (EV)ને સરકાર પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ આ વાહનોને ચાર્જિંગ માટે અપૂરતાં ચાર્જિંગ સ્ટેશન છે, ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ પબ્લિક પાર્કિંગ પ્લૉટમાં આ સગવડ ઊભી કરી છે. આજે સવારે દાદરમાં આવેલા કોહિનૂર પબ્લિક પાર્કિંગ પ્લૉટમાં ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશનને વાહનચાલકો માટે ખુલ્લું મૂક્યું હતું. મુંબઈનો આ એકમાત્ર પબ્લિક પાર્કિંગ પ્લૉટ છે, જેમાં ચાર્જિંગની સગવડ છે.
રાજ્યના પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેના હસ્તે આજે સવારે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોહિનૂર પબ્લિક પાર્કિંગના આ ચાર્જિંગ સ્ટેશનમાં બે ડીસી ચાર્જર બેસાડવામાં આવ્યા છે, જે એક સમયમાં ચાર વાહનો ફૂલ સ્પીડે ચાર્જ કરશે, તો ત્રણ એસી ચાર્જર બેસાડવામાં આવ્યા છે. જે એક વખતમાં ત્રણ વાહનો ચાર્જ કરશે. હવેથી કોહિનૂરના પાર્કિંગમાં 24 કલાકમાં 72 ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ થઈ શકશે. જેમાં ટૂ વ્હીલર, થ્રી અને ફોર વ્હીલરનો પણ સમાવેશ થાય છે. વાહન ચાર્જ કરવા માટે પાલિકા પ્રતિ યુનિટ માત્ર 15 રૂપિયા ચાર્જ કરશે. એટલે કે વાહન ફૂલ ચાર્જ કરવા માટે 200થી 400 રૂપિયા થશે.