ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર,
મુંબઈગરા પહેલાથી જ મુંબઈના ટ્રાફિકની સમસ્યાથી પરેશાન છે, તેમાં હવે પશ્ચિમ ઉપનગરના અંધેરીમાં અચ્યુતરાવ પટવર્ધન માર્ગ પર મુંબઈ મનપાએ સ્યુએજનું કામ ચાલુ કર્યું છે, તેને કારણે લોખંડવાલાથી વર્સોવા સુધીનું 10 મિનિટનું અંતર પાર કરવામાં વાહનચાલકોને પોણો કલાકનો સમય લાગે છે. પીક અવર્સમાં વાહનચાલકોની હાલાકીમાં હજી વધારો છે.
સ્થાનિક રહેવાસીઓની ફરિયાદ મુજબ એક તરફ અંધેરીમાં અચ્યુતરાવ પટવર્ધન માર્ગ( કોકીલાબેન અંબાણી હોસ્પિટલ નજીક) પર પાલિકાએ મુંબઈ સ્યુએજ ડિસ્પોસ્લ પ્રોજેક્ટ અંતર્ગત કામ ચાલુ કર્યું છે. તેથી વાહનચાલકો માટે દક્ષિણ દિશા તરફનો આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ ન્યુ લિંક રોડ પર વીરા દેસાઈ રોડ પર પાણીની પાઈપલાઈનને નુકસાન થયું હોવાથી તેનું કામ ચાલી રહ્યું છે. તેથી ત્યાં પણ બેરીકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે.
પાઈપલાઈનને થયેલા નુકસાનનું સમારકામ હજી તો માંડ પૂરું થયું હતું. ત્યા પાઈપલાઈનમાં આગળ ફરી ભંગાણ પડતા ફરી સમારકામ ચાલી રહ્યું છે. તેથી આ રસ્તા વાહનચાલકો માટે તાત્પૂરતો બંધ છે.
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે મુંબઈ એરપોર્ટ પર રેલવે કાઉન્ટર. કેન્દ્રીય રેલવે પ્રધાન વિદ્યાર્થીઓની મદદ માટે પહોંચી ગયા એરપોર્ટ…
લોખંડવાલા ઓશિવરા સિટીઝન એસોસિયેશનના કહેવા મુજબ તેમના વિસ્તારમાં ભારે ટ્રાફિકની મુવમેન્ટ હોય છે. રસ્તા પર ચાલી રહેલા કામને કારણે ટ્રાફિકની સમસ્યામાં હજી વધારો થયો છે.
પાલિકાના પાણી પુરવઠા ખાતાના કહેવા મુજબ બહુ જલદી સમારકામ પૂરું કરવામાં આવશે. તો ટ્રાફિક ખાતાના કહેવા મુજબ કામ ઝડપથી પૂરું થાય તે માટે પાલિકા સાથે ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન ટ્રાફિકને બીજા રસ્તા પર ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. જોકે ન્યુ લિંક રોડ પર મેટ્રોનું પણ કામ ચાલી રહ્યું છે, તેથી તેને કારણે પહેલાથી ટ્રાફિકની અહીં સમસ્યા રહેલી છે.