ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જૂન ૨૦૨૧
મંગળવાર
લૉકડાઉનના પ્રતિબંધો હળવા થતાં જ લોકો વાહનો લઈ કામધંધે જવા નીકળી પડ્યા છે. આજે સવારથી જ વેસ્ટર્ન એક્સપ્રેસ-વે સહિતનાં અનેક સ્થળોએ ટ્રાફિક જામ જોવા મળ્યો છે. મુંબઈના પ્રવેશદ્વાર એવા દહિસર ચેકનાકા પર વાહનોની લાંબી લાઇન જોવા મળી છે. ઉપલબ્ધ માહિતી અનુસાર ત્રણ કલાકથી વધુ સમય સુધી લોકો એક જ જગ્યાએ અટકી ગયા હતા.
કંટાળી ગયેલા લોકોએ પગપાળા પ્રવાસ કરવાનું પસંદ કર્યું હતું. પોલીસનો સહકાર ન મળતો હોવાની પણ નાગરિકોએ ફરિયાદ કરી છે. નિયમોનું પાલન થઈ રહ્યું છે કે કેમ એ તપાસવા માટે પોલીસેનાકાબંધી કરી છે. પોલીસ તંત્ર દ્વારા દહિસર ચેકપોસ્ટ પર કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવી હોવાની ફરિયાદ લોકોએ ટ્વિટર પર કરી હતી. પોલીસ દ્વારા તેમની તપાસ કરવામાં આવી રહી નથી એમ પણ નાગરિકો જણાવી રહ્યા છે.
BMCએ પાર્કિંગ ઑથૉરિટી બનાવવાની મંજૂરી આપી; હવે લોકોને અનુકૂળ અને સલામત પાર્કિંગ મળશે, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે વસઈ ક્રીક બ્રિજથી મુંબઈ તરફનો વેસ્ટર્ન એક્સપ્રેસ-વે ભારે જામ થઈ ગયો છે. મીરા રોડના કાશ્મીરા વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ છે. ઉપરાંત ટ્રાફિક જામના કારણે દર્દીઓને લઈજતી ઍમ્બ્યુલન્સ પણ રસ્તા પર ફસાયેલી જોવા મળી હતી. હાલ લોકલ ટ્રેન સામાન્ય જનતા માટે બંધ હોવાથી લોકો પોતાના ખાનગી વાહનનો વધુ ઉપયોગ કરી રહ્યા છે, જેને કારણે ટ્રાફિક જામ સર્જાતાં લોકોની હાલાકીમાં ઉમેરો થયો છે.