ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
શનિવારે રાત્રે મુંબઈના પરાવિસ્તારોના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. પરિણામે રસ્તા પર પાર્ક કરાયેલાં હજારો વાહનો પાણીમાં ડૂબી ગયાં હતાં. કાંદિવલી વિસ્તારમાં આવેલા ઠાકુર કૉમ્પ્લેક્સમાં મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના પેઇડ પાર્કિંગમાં પણ વરસાદનું પાણી એકઠું થઈ ગયું છે. અહીં અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં 20 ફૂટ પાણી ભરાઈ જવાને કારણે 400 જેટલાં વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયાં હોવાના સમાચાર છે.
રાત્રે ચાર કલાક સુધી ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું હતું. ઘણા લોકોનાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં અને ગાડીઓ રસ્તા પર ફસાઈ ગઈ હતી. ઠાકુર કૉમ્પ્લેક્સના પાર્કિંગમાં ડૂબેલાં આશરે 400 વાહનોમાં કાર અને રિક્ષા પાર્ક કરવામાં આવ્યાં છે. જોકેપાર્કિંગમાં 20 ફૂટ પાણી હોવાને કારણે વાહનોને નુકસાન પહોંચ્યું છે. ફાયર બ્રિગેડ પાર્કિંગ લૉટમાં ઘૂસી ગયેલાં પાણીને કાઢવાનું કામ કરી રહી છે. વાહનો આમ પાણીમાં ગરકાવ થઈ ગયાં હોવાથી રિક્ષાચાલકોને ખૂબ જ હાલાકી પડી છે.
કોરોના મહામારી દરમિયાન સેંકડો રિક્ષાઓ પાર્કિંગમાં ઊભી રહી હતી. આ સિવાય અહીં કેટલીક લક્ઝરી કાર પણ પાર્ક કરવામાં આવી હતી. ભાજપના સ્થાનિક કૉર્પોરેટર સુનીતા યાદવે માગ કરી છે કે BMCએ રિક્ષાચાલકોને પે ઍન્ડ પાર્કને કારણે થયેલા નુકસાનની જવાબદારી મુંબઈ મહાનગરપાલિકાએ લેવી જોઈએ. મનસેએ મીડિયાને કહ્યું હતું કે જો BMC રિક્ષાચાલકો પાસેથી દર મહિને 900 રૂપિયા પાર્કિંગ ફી લે છે, તો તેઓએ વાહનોની સલામતીની પણ જવાબદારી લેવી પડશે.