ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 જુલાઈ 2021
શુક્રવાર
હવેથી મુંબઈમાં કોઈ હાઉસિંગ સોસાયટીમાં કોઈ સભ્યનું મલેરિયા અથવા ડેન્ગ્યુ જેવી બીમારીથી મૃત્યુ થયું તો એ માટે હાઉસિંગ સોસાયટી જવાબદાર હશે અને એ માટે હાઉસિંગ સોસાયટી સામે પોલીસમાં ગુનો પણ નોંધવામાં આવશે એવું અજબ ફરમાન મુંબઈ મહાનગરપાલિકાએ બહાર પાડ્યું છે.
ચોમાસામાં હાઉસિંગ સોસાયટીમાં અથવા દુકાનોમાં વરસાદનું જમા થનારાં પાણીથી મલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારી થવાનું જોખમ હોય છે. આ બંને બીમારી ચોમાસાજન્ય બીમારી કહેવાય છે. વરસાદી પાણી જમા થવાથી મચ્છરની ઉત્પત્તિ થાય છે. એથી સોસાયટી પરિસરમાં વરસાદનું પાણી જમા થાય નહીં એ જોવાની જવાબદારી હાઉસિંગ સોસાયટીની રહેશે. મુંબઈ મનપાએ આ સંદર્ભમાં હાઉસિંગ સોસાયટીઓને નોટિસ મોકલવાનું ચાલુ કરી દીધું છે. જો સોસાયટીએ આ બબત ગંભીરતાથી નહીં લીધી તો તેમની સામે મનપા ઍક્ટ 1888 અંતગર્ત પગલાં લેવામાં આવશે એવી ચેતવણી પણ પાલિકાએ આપી છે.
પાલિકાની નોટિસ મુજબ મનપા ઍક્ટ 1888 અંતર્ગત નિયમનું ઉલ્લંઘન કરવાના પ્રકરણમાં 10 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. તેમ જ ઉપાય યોજના અમલમાં નહીં મૂકે ત્યાં સુધી પ્રતિદિન 2,000 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવશે. સોસાયટીએ યોગ્ય પગલાં નહીં લીધાં અને સોસાયટીમાં કોઈનું મૃત્યુ થયું તો સોસાયટી સામે પોલીસમાં FIR નોંધવામાં આવશે.