ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જૂન 2021
ગુરુવાર
મુંબઈમાં ઘાટકોપરમાં BMC સંચાલિત રાજાવાડી હૉસ્પિટલમાં ભારે શરમજનક બનાવ બન્યો હતો. મુંબઈ મહાનગરપાલિકાની બેદરકારીનો ભોગ 24 વર્ષનો યુવક બન્યો હતો. લીવરની ગંભીર બીમારીની સારવાર લઈ રહેલા આ દર્દીની બે દિવસ પહેલાં ICU વૉર્ડમાં ઉંદર આંખ કરડી ગયો હતો. છેવટે બુધવારે મોડી સાંજે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
કુર્લાના કામાણીમાં રહેતા શ્રીનિવાસ યલ્લપાને શ્વાસ લેવામાં ત્રાસ થતાં તેને રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મંગળવારે વહેલી સવારના ત્રણ વાગ્યાની આસપાસ તેના સંબંધીએ તેની આંખમાં લોહી નીકળતું હોવાનું જોયું હતું. તેમણે તરત ફરિયાદ કરતાં ઉંદરે તેની આંખ કોતરી નાખી હોવાનું જણાઈ આવ્યું હતું.
પાલિકા પ્રશાસને આ બનાવની તપાસનો આદેશ આપ્યો હતો. બુધવારે મોડી સાંજે શ્રીનિવાસનું મૃત્યુ થયું હતું. જોકે તેને ગંભીર બીમારી હોવાને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. ઉંદર ફક્ત તેની પાંપણ કોતરી ગયો હતો, તેની આંખની અંદર કોઈ ઈજા ન હોવાનું ડૉક્ટરોને જણાયું હતું.
આ બનાવની પ્રાથમિક તપાસમાં ICU વૉર્ડની બહાર કૉન્ટ્રૅક્ટરે રાખેલા ભંગારને કારણે ઉંદરો અહીં ફરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. બુધવારે સ્થાયી સમિતિમાં કૉન્ટ્રૅક્ટરની બેદરકારીને કારણે આ બનાવ બન્યો હોવાને મુદ્દે ભારે બબાલ થઈ હતી. વિરોધ પક્ષ કૉન્ગ્રેસે આ કૉન્ટ્રૅક્ટરનો કૉન્ટ્રૅક્ટ રદ કરવાની માગણી કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે રાજાવાડીમાં રહેલો ICU વૉર્ડ ચલાવવાનું કામ પ્રાઇવેટ કૉન્ટ્રૅક્ટરને આપવામાં આવ્યું છે. કૉન્ટ્રૅક્ટરની બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે. એથી તેનો કૉન્ટ્રૅક્ટ તાત્કાલિક ધોરણે રદ કરીને ICU ફરી પોતાના કબજામાં લેવાની માગણી તમામ નગરસેવકોએ કરી હતી.